14 December, 2024 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પટોલે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૧ બેઠક લડીને માત્ર ૧૬માં વિજય મળતાં કૉન્ગ્રેસનો ભારે રકાસ થયો હતો. આ ચૂંટણી કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેની આગેવાનીમાં લડવામાં આવી હતી એટલે પરાજયની જવાબદારી લઈને પોતાને પ્રદેશાધ્યક્ષના પદ પરથી મુક્ત કરવા માટેનો પત્ર નાના પટોલેએ કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને ઈ-મેઇલ દ્વારા લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કૉન્ગ્રેસ-પ્રમુખ નાના પટોલેને પ્રદેશાધ્યક્ષપદેથી દૂર કરીને વિશ્વજિત કદમ, સતેજ પાટીલ, યશોમતી ઠાકુરમાંથી કોને આ જવાબદારી સોંપે છે એ જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના કારમા પરાજય માટે નાના પટોલે જ જવાબદાર હોવાનો આરોપ પક્ષના જ કેટલાક નેતાઓએ કર્યો છે.
BJPના ૨૧, શિવસેનાના ૧૨ અને NCPના ૧૦ વિધાનસભ્યો પ્રધાન બને એવી શક્યતા
મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારમાં મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનના શપથ થયાને નવ દિવસ થયા છે, પણ પ્રધાનમંડળનું વિસ્તરણ રઝળી પડ્યું છે. ૧૨ ડિસેમ્બરે પ્રધાનોના શપથ લેવાવાની વાત હતી, ત્યાર બાદ આજે શપથવિધિ થશે એવી પણ અટકળો હતી. જોકે ખાતાંની વહેંચણી મુદ્દે મહાયુતિના પક્ષો વચ્ચે ખેંચતાણ હોવાને લીધે પ્રધાનમંડળનું વિસ્તરણ અટક્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગઈ કાલે જાણવા મળ્યું હતું કે હવે પ્રધાનમંડળનું વિસ્તરણ મુંબઈમાં નહીં પણ રવિવારે નાગપુરના વિધાનભવનમાં હાથ ધરવામાં આવશે. આ માટે નાગપુરમાં ૪૦ બંગલા તૈયાર કરવામાં આવ્યા છે અને રવિવારે સાંજે ચાર વાગ્યે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૨૧, શિવસેનાના ૧૨ અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ૧૦ વિધાનસભ્યો પ્રધાન તરીકે શપથ લે એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે નવી સરકારનું પહેલું શિયાળુ સત્ર સોમવારથી નાગપુરમાં શરૂ થવાનું છે. આથી સત્તાધારી પક્ષોના તમામ વિધાનસભ્યો આ સમયે નાગપુર પહોંચશે એટલે નાગપુરના વિધાનભવનમાં શપથવિધિ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.