કેળવે રોડના રિસૉર્ટમાં બૉયફ્રેન્ડ સાથે ગયેલી ટીનેજર ગોળીબારમાં ઘાયલ

01 June, 2025 06:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીનેજરના પિતાએ કરેલી ફરિયાદના આધારે બોઇસરમાં રહેતા બૉયફ્રેન્ડ દિનેશ દોઢીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પાલઘર જિલ્લાના કેળવે રોડના એક રિસૉર્ટમાં ગઈ કાલે બપોરે ૧ વાગ્યે બૉયફ્રેન્ડ સાથે ગયેલી ટીનેજર ગનમાંથી છૂટેલી ગોળીને કારણે ઘાયલ થઈ હતી. ગોળી તેની કરોડરજ્જુમાં વાગી હતી. પાલઘર પોલીસના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ વી. એસ. નરાલેએ કહ્યું હતું કે ‘ગન હાથમાં હતી ત્યારે અકસ્માતે બેધ્યાનપણે એમાંથી ગોળી છૂટવાના કારણે ટીનેજર ઘાયલ થઈ હોવાનું લાગી રહ્યું છે. તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એ પછી તેને મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી જ્યાં તેના શરીરમાંથી બુલેટ કાઢવા માટે ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.’

કેળવે પોલીસ-સ્ટેશનનાં ઇન્ચાર્જ મહિલા અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર વિજયા ગોસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીનેજરના પિતાએ કરેલી ફરિયાદના આધારે બોઇસરમાં રહેતા બૉયફ્રેન્ડ દિનેશ દોઢીની અમે ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો છે. જે ગનમાંથી બુલેટ છૂટી હતી એ ગન પણ જપ્ત કરવામાં આવી છે. એ ગન તેણે ક્યાંથી મેળવી, ફાયરિંગ કઈ રીતે થયું એ બાબતની તપાસ અમે હવે ચલાવીશું. ટીનેજર હજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે ભાનમાં આવશે એ પછી અમે તેની પૂછપરછ કરીશું.’   

palghar Crime News mumbai crime news mumbai mumbai news