ખેડૂતો માટે રાજ્ય સરકારે ૩૧,૬૨૮ કરોડ રૂપિયાનું રાહત-પૅકેજ જાહેર કર્યું

08 October, 2025 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોન માફી માટે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે-ખેડૂતોની દિવાળી અંધકારમય ન થાય એટલે મોટા ભાગનું વળતર દિવાળી પહેલાં ચૂકવવાની મુખ્ય પ્રધાને આપી ખાતરી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારની હાજરીમાં અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત ભંડોળની જાહેરાત કરી હતી. તસવીર: સૈયદ સમીર અબેદી

મરાઠવાડા અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદને પગલે ભયંકર તારાજી સર્જાઈ હતી. મોટા ભાગે ખેતી પર જીવનનિર્વાહ ચલાવતા આ વિસ્તારોમાં આશરે ૬૮ લાખ હેક્ટરમાં ખેતી સાવ ધોવાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્ય સરકારે ખેડૂતોની વહારે આવીને કુલ ૩૧,૬૨૮ કરોડ રૂપિયાનું રાહત-પૅકેજ જાહેર કર્યું છે. વરસાદને કારણે જીવ ગુમાવનાર, ઘર ગુમાવનાર અને પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતને આશરે ૪૭,૦૦૦ રૂપિયા વળતર મળશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરેલી જાહેરાત મુજબ ૨૯ જિલ્લાના ૩૫૨ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને આવરી લેવામાં આવશે. ભારે નુકસાન થયું હોય એવા ખેડૂતોને ૪૭,૦૦૦ રૂપિયા રોકડા અને નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી ઍક્ટ (NREGA) થકી પાકને નુકસાન થવા બદલ ૩,૦૦,૦૦૦ રૂપિયા વળતર આપવામાં આવશે.

મુખ્ય પ્રધાને રાહત ફન્ડ જાહેર કરતાં કહ્યું હતું કે ‘ખેડૂતોની દિવાળી અંધકારમય ન થાય એટલે મોટા ભાગનું વળતર દિવાળી પહેલાં ચૂકવવામાં આવશે. લોન-માફી વિશે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અત્યારે તો ખેડૂતો પગભર થાય એ માટે તેમને મદદ કરવી એ અમારી પ્રાથમિકતા છે.’ 

ખેતીને થયેલા નુકસાન બદલ કુલ ૧૭,૬૭૫ કરોડ રૂપિયા વળતર આપવામાં આવશે અને રવી પાકને થયેલા નુકસાન બદલ વધારાના ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

કોને કેટલું વળતર મળશે?

તમામ પ્રભાવિત ખેડૂતોને હેક્ટરદીઠ ૧૦,૦૦૦ રૂપિયા રોકડા અપાશે.
રાહત-પૅકેજ અંતર્ગત હેક્ટરદીઠ ૪૭,૦૦૦ રૂપિયા આપવામાં આવશે અને રોજગાર ગૅરન્ટી યોજના હેઠળ હેક્ટરદીઠ ૩ લાખ રૂપિયા સુધીની મદદ મળશે. જેમની પાસે પાક-વીમો હોય તેમને વીમાની રકમ સાથે ૧૭,૦૦૦ રૂપિયા મળશે.
જેમના કૂવાને નુકસાન થયું હોય તેમને ૩૦,૦૦૦ રૂપિયા મળશે. વરસાદ કે પૂરને કારણે જીવ ગુમાવનારના પરિવારજનને ૪ લાખ રૂપિયા મળશે. ઈજાગ્રસ્તને ૭૪,૦૦૦થી ૨.૫ લાખ રૂપિયા સુધીની મદદ મળશે.
ઘરવખરી અને અંગત વસ્તુઓના નુકસાન બદલ ૫૦૦૦ રૂપિયા મળશે.
નાની દુકાનોના નુકસાન બદલ તેમ જ ફેરિયાઓને ૫૦૦૦ રૂપિયા મળશે.
ડુંગરાળ વિસ્તારોમાં આવેલાં ઘર પડી ભાંગ્યાં હોય તેમને ૧,૨૦,૦૦૦ અને કાચાં મકાનો માટે ૧,૩૦,૦૦૦ રૂપિયા મળશે.
ઘર સંપૂર્ણપશે નાશ પામ્યું હોય તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવું મકાન બનાવી આપવામાં આવશે. આંશિક નુકસાન હોય તો ૬૫૦૦ રૂપિયા મળશે. ગમાણ તૂટી ગયું હોય તો ફરી ઊભું કરવા માટે ૩૦૦૦ રૂપિયા મળશે.
દૂધાળાં પ્રાણીઓ ગુમાવનારને પશુદીઠ ૩૭,૫૦૦ રૂપિયા મળશે.

ગ્રોમા તરફથી પૂરપીડિતો માટે પાંચ લાખ રૂપિયાનું ડોનેશન

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે આવેલાં પૂરમાં ભારે તારાજી સર્જાઈ હતી. વરસાદને લીધે સામાન્ય જનતા સાથે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. આવા સંજોગોમાં અસરગ્રસ્તોને સહાયરૂપ થવા માટે ગઈ કાલે ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA - ગ્રોમા) તરફથી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરને પૂર રાહત ફન્ડમાં પાંચ લાખ રૂપિયાનું ડોનેશન આપવામાં આવ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસને ચેક આપી રહેલાં સ્થાનિક વિધાનસભ્ય મંદાતાઈ મ્હાત્રે અને તેમની સાથે શરદ સોનાવણે, ગ્રોમાના પ્રમુખ ભીમજી ભાનુશાલી, ઉપપ્રમુખ અમૃતલાલ જૈન અને સેક્રેટરી તેમ જ APMCના ડિરેક્ટર નીલેશ વીરા હાજર હતા. 

mumbai news mumbai maharashtra news maharashtra devendra fadnavis eknath shinde ajit pawar marathwada