મુંબઈ-ગોવા હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગી, ૪૪ લોકોનો આબાદ બચાવ

25 August, 2025 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરની સતર્કતાને લીધે બસમાં સવાર ૪૪ લોકોને સલામત રીતે બસમાંથી ઉતારી લેવામાં આ‍વતાં જાનહાનિ ટળી હતી.

મુંબઈ-ગોવા હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગી

મુંબઈ-ગોવા હાઇવે પર એક પ્રાઇવેટ લક્ઝરી બસનું ટાયર ફાટતાં બસમાં આગ લાગી હતી. ડ્રાઇવરની સતર્કતાને લીધે બસમાં સવાર ૪૪ લોકોને સલામત રીતે બસમાંથી ઉતારી લેવામાં આ‍વતાં જાનહાનિ ટળી હતી.

મુંબઈથી માલવણ જતી પ્રાઇવેટ ટ્રાવેલ્સની લક્ઝરી બસ શનિવારની મધરાત પછી બે વાગ્યે કશેડી ટનલમાં પ્રવેશે એ પહેલાં એનું એક ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ડ્રાઇવરે તરત જ બસ ઊભી રાખીને બધા મુસાફરોને ઊતરી જવા કહ્યું હતું. બસમાં એ સમયે ગણેશોત્સવ માટે નીકળેલા ૪૪ મુસાફરો હતા. આગ ધીમે-ધીમે આખી બસમાં ફેલાઈ એ પહેલાં બધા જ મુસાફરોને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર-બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આખી બસ ભડકે બળતાં રોડ પર બન્ને બાજુનો ટ્રાફિક રોકવામાં આવ્યો હતો.

ડીઝલ ટૅન્ક સુધી પહોંચી આગ

પોલાદપુર પોલીસે જણાવ્યું હતું કે ‘ડીઝલ ટૅન્ક સુધી આગ પહોંચતાં આખી બસમાં ભડકો થયો હતો અને બસ સળગી ગઈ હતી. એનો માત્ર કાટમાળ જ બચ્યો હતો. જોકે બધા જ મુસાફરોને ત્યાં સુધીમાં ઉતારીને બસથી દૂર ખસેડી દેવામાં આવ્યા હતા. પરોઢિયે ત્રણ વાગ્યા સુધીમાં આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ રોડ પર વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. બસમાં આગ લાગવાનાં કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’

mumbai goa highway fire incident mumbai fire brigade mumbai news news festivals mumbai traffic