મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?

19 April, 2024 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈગરાએ જણાવ્યું તેમના વોટના બદલામાં તેમને શું જોઈએ છે?

જિગર શાહ અને પલક દેઢિયા

ભાઈંદરના જિગર શાહ કહે છે... રસ્તાઓને ખાડામુક્ત કરતી સરકાર જોઈએ છે

મારા મતના બદલામાં મને એવી જ સરકાર જોઈએ છે જે મને ખાડામુક્ત રસ્તા આપે એવું જણાવીને ભાઈંદરના ​ ટ્રાવેલ-પ્લાનર જિગર શાહ કહે છે, ‘મુંબઈમાં હોય કે મહારાષ્ટ્રમાં અને અમુક બહારનાં રાજ્યોમાં પણ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલીભર્યું થઈ જાય છે. ખરાબ ખાડા હોવાને કારણે રસ્તા પરથી વાહનોને પસાર થતાં બહુ મુસીબત થતી હોય છે. એને કારણે વાહનોને તો નુકસાન થાય જ છે, પણ એનું બૅલૅન્સ ન રહેતાં અકસ્માતને આમંત્રણ આપવામાં આવે છે. ખાડાવાળા રસ્તાને કારણે સિનિયર સિટિઝનથી લઈને અન્ય લોકોને કમરનો દુખાવો પણ થતો હોય છે. માલસામાન ભરેલી ટ્રકો તો આ ખાડામાંથી માંડ-માંડ પસાર થતી હોય છે.

પરિણામે બમણો ટ્રાફિક થવાથી લોકોએ કલાકો એમાં ફસાઈ રહેવું પડે છે. દેશની પ્રગતિમાં ટ્રાન્સપોર્ટેશન મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે મોટા હાઇવે તો બનાવી રહ્યા છીએ, પરંતુ પહેલાં ખાડામુક્ત રસ્તા પર સરકાર વિશેષ ધ્યાન આપે એવું મારા મત સામે હું ઇચ્છું છું.’

- પ્રીતિ ખુમાણ ઠાકુર

દ​હિસરની પલક દેઢિયા કહે છે... ચૂંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સંવિધાનમાં સુધારો અને પ્રગતિ કરવા સક્રિય બને

દહિસર (ઈસ્ટ)ની ૨૧ વર્ષની પલક દેઢિયા દહિસરમાં જ આવેલી ઠાકુર રામનારાયણ એજ્યુકેશનલ કૉલેજમાં બૅચલર ઑફ અકાઉન્ટ્સ ઍન્ડ ફાઇનૅન્સનો કોર્સ કરી રહી છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં પલક પહેલી વાર મતદાન કરવાની હોવાથી અતિ ઉત્સાહમાં છે. તે દેશના વિકાસથી પ્રભાવિત થઈ છે. દેશનો વધુ વિકાસ થાય એ માટે પલક ‘મિડ-ડે’ને કહે છે, ‘સરકારનાં કાર્યો આજની યુવાપેઢીને આકર્ષિત કરી રહ્યાં છે. મારા એક મતના બદલામાં હું ઇચ્છું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સંવિધાનમાં ઉત્તરોત્તર સુધારો અને પ્રગતિ કરવા વધુ સક્રિય બને. આજના શિક્ષણની ગુણવત્તામાં હજી સુધારો જરૂરી છે. દરેકને કિફાયતી કિંમતમાં અને સરળતાથી શિક્ષણ ઉપલબ્ધ થવું જોઈએ. જનતાને સ્વાસ્થ્યની સુવિધાઓ પણ સરળતાથી અને સસ્તા દરોમાં ઉપલબ્ધ થાય એવી યોજનાઓ બનાવીને અમલમાં મૂકવાની જરૂર છે જેનો બધા જરૂરિયાતમંદોને ફાયદો મળે અને કોઈ શિક્ષણથી વંચિત ન રહી જાય. દેશમાં સુરક્ષાવ્યવસ્થા માટે અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ અને બાળસુરક્ષાના નવા નિયમો અને કાયદાઓ ઘડવાની જરૂર છે જેનાથી વધતી જતી દુર્ઘટનાઓમાં ઘટાડો થાય. ન્યાયતંત્રમાં રહેલી ખામીઓ અને ભ્રષ્ટાચાર દૂર કરીને એમાં સુધારા કરવાની જરૂર છે. નાનાંથી મોટાં બધાં કાર્યો ઑનલાઇન થાય, તારીખ પે તારીખની પ્રક્રિયામાંથી મુક્તિ મળે અને જનતા જનાર્દનને સરળતાથી અને સત્વર ન્યાય મળે જેથી સામાન્ય જનતાએ મોંઘાદાટ વકીલો અને ન્યાયાલયોના ખોટા ધક્કા ન ખાવા પડે. ખરા અર્થમાં લોકોનો સંવિધાનમાં પર વિશ્વાસ જળવાઈ રહે એવા પ્રયત્નો જરૂરથી થવા જોઈએ.’

- રોહિત પરીખ

Lok Sabha Election 2024 mumbai mumbai news maharashtra maharashtra news