20 March, 2024 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર અને શરદ પવાર જૂથને કેન્દ્રીય ચૂંટણી પંચે ફાળવેલા પક્ષ અને ચૂંટણીચિહ્ન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સુધી કાયમ રાખવાનું ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. ચૂંટણી પંચે અગાઉ શરદ પવાર જૂથને તાજેતરમાં પાર પાડવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણી સુધી જ તેમને ફાળવવામાં આવેલું પક્ષનું નામ અને ચૂંટણીચિહ્ન વાપરવાનો નિર્દેશ કર્યો હતો. રાજ્યસભાની ચૂંટણી પૂરી થઈ છે અને લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે શરદ પવાર જૂથ મૂંઝવણમાં મુકાઈ જતાં એણે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે ગઈ કાલે શરદ પવાર જૂથને NCP - શરદચંદ્ર પવાર અને એના ચૂંટણીચિહ્ન તરીકે તુતારીને આગામી વિધાનસભાની ચૂંટણી સુધી કાયમ રાખવાની મંજૂરી આપી હતી. કોર્ટે મુખ્ય ચૂંટણી પંચને આ સમયગાળામાં બીજા કોઈ રાજકીય પક્ષને આવું નામ કે ચૂંટણીચિહ્ન ન ફાળવવાનો નિર્દેશ કર્યો હતો. આથી લોકસભા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવાર જૂથ સત્તાવાર રીતે NCP નામ અને ઘડિયાળના સિમ્બૉલ સાથે તો શરદ પવાર જૂથ તેમને ફાળવવામાં આવેલા નામ અને ચિહ્ન સાથે ચૂંટણી લડી શકશે.