10 July, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ગઈ કાલે પંજાબ નૅશનલ બૅન્કની એક બ્રાન્ચમાં કામકાજ ઠપ હતું.
સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોએ બુધવારે ભારત બંધનું એલાન કર્યું હતું જેની અસર મુંબઈમાં ઘણી ઓછી દેખાઈ હતી. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં જનરલ પોસ્ટ ઑફિસ (GPO) અને પંજાબ નૅશનલ બૅન્કે હડતાળમાં ભાગ લીધો હતો. કર્મચારીઓ હાજર ન રહેતાં કસ્ટમર સર્વિસ અને ટપાલ પહોંચાડવાનાં કામમાં અસર થઈ હતી.
મોટા ભાગની બૅન્કો ખુલ્લી રહી હતી, પરંતુ અમુક કર્મચારીઓએ હડતાળને ટેકો આપવા માટે રજા પાળી હતી જેને લીધે કૅશ ટ્રાન્ઝૅક્શન અને ચેક ક્લિયરન્સ સહિત બીજાં વહીવટી કામો અટવાયાં હતાં. ઇન્શ્યૉરન્સ ક્ષેત્રના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા.
વીજળી વિભાગના કર્મચારીઓએ હડતાળને ટેકો આપ્યો હતો, પરંતુ એને લીધે મુંબઈમાં વીજપુરવઠાને બહુ અસર પહોંચી નહોતી. ટેક્નિકલ સપોર્ટ માટે થોડો વિલંબ થયો હોવાનું જણાયું હતું.
દેશનાં ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના એક મંચ દ્વારા સરકારની કામદાર-વિરોધી, ખેડૂત-વિરોધી અને રાષ્ટ્ર-વિરોધી કૉર્પોરેટલક્ષી નીતિઓનો વિરોધ કરવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેને દેશમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૭ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૯ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૫૧