IIT-બૉમ્બેની હૉસ્ટેલમાંથી દીપડો કૂતરાને ઉઠાવી ગયો

21 June, 2026 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપડા ક્યારેક-ક્યારેક ખોરાકની શોધમાં નજીકના રેસિડેન્શિયલ વિસ્તારોમાં ભટકતા રહે છે અને રખડતા કૂતરાઓને એમનો શિકાર બનાવે છે.

દીપડો આવ્યો હોવાની ગંધ પારખી ગયેલો કૂતરો એ દિશામાં જોઈ રહ્યો હતો, દીપડાએ કૂતરા પર હુમલો કરીને એને મારી નાખ્યો હતો અને સાથે લઈ ગયો હતો.

પવઈમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેની સ્ટાફ હૉસ્ટેલમાંથી દીપડો કૂતરાને ઉઠાવી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના હૉસ્ટેલમાં લગાડેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. વળી આ વિડિયો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થતાં સમગ્ર IIT-બૉમ્બે કૅમ્પસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

CCTV કૅમેરાનાં ફુટેજમાં દેખાય છે કે સ્ટેરકેસ પાસે ઊભેલો કૂતરો જે દિશામાંથી દીપડો આવે છે એ દિશામાં જોઈ રહ્યો છે. દીપડો હૉસ્ટેલની રૂમો પાસેના કૉરિડોરમાંથી પસાર થઈને કૂતરા પર હુમલો કરે છે અને એને મારીને ઉપાડીને લઈ જાય છે.

આ ઘટના બાદ IIT કૅમ્પસના રહેવાસીઓમાં, ખાસ કરીને સ્ટાફ હૉસ્ટેલ વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. IIT હૉસ્ટેલ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં આવેલી છે, જે દીપડાઓની વસ્તી માટે જાણીતું છે. દીપડા ક્યારેક-ક્યારેક ખોરાકની શોધમાં નજીકના રેસિડેન્શિયલ વિસ્તારોમાં ભટકતા રહે છે અને રખડતા કૂતરાઓને એમનો શિકાર બનાવે છે.

mumbai news mumbai powai iit bombay wildlife maharashtra forest department