30 June, 2023 11:45 AM IST | Mumbai | Priti Khuman Thakur
મેટ્રો સ્ટેશન પાસે જમીન ધસી પડવાની ઘટના બાદ ગઈ કાલે ત્યાં યુદ્ધના ધોરણે કામ ચાલતું હતું
માગાથાણે મેટ્રો સ્ટેશનને અડીને આવેલી જમીન ધસી પડ્યા બાદ એમએમઆરડીએએ એની પાસે કામ ચાલી રહેલા બાંધકામને સ્ટૉપ વર્કની નોટિસ ફટકારવાની સાથે બિલ્ડર વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યો હતો. આ બિલ્ડર દ્વારા હાથ ધરવામાં આવેલા ખોદકામમાં કથિત રીતે વરસાદના પાણીની ગટરની ચેમ્બરને અડીને આવેલી માટી ધસી પડી હતી, જેના કારણે ચેમ્બરની દીવાલને નુકસાન થયું હતું. જોકે બિલ્ડરને અગાઉ સ્ટૉપ વર્કની નોટિસ આપવામાં આવી હતી. મુસાફરોની સલામતી માટે હાલમાં સ્ટેશન પર જવા માટે નૉર્થ સાઇડનો રસ્તો બંધ કરી દેવામાં
આવ્યો છે. જોકે સાઉથ સાઇડનો રસ્તો ચાલુ છે. દુર્ઘટના બાદ આ જગ્યાએ રિપેરિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. બીએમસીના અધિકારીઓ અને રાજકરણીઓ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે ‘સ્ટેશનની એન્ટ્રી-એક્ઝિટ પાસે સ્ટ્રૉર્મ વૉટર ડ્રેઇનની ચેમ્બર સીડીના પાયા અને એસ્કેલેટરની નજીક છે. બિલ્ડર દ્વારા ગટરની ચેમ્બરની નજીક કરવામાં આવેલા ઊંડા ખોદકામને કારણે એની દીવાલને નુકસાન થયું હતું, જેના પગલે વરસાદનું પાણી ખોદકામ વિસ્તારમાં વહી ગયું હતું. આ ઘટનામાં મેટ્રોને કોઈ નુકસાન થયું નથી અને એ હંમેશની જેમ પોતાની ગતિએ ચાલી રહી છે.’
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કસ્તુરબા માર્ગ પોલીસે એફઆઇઆર નોંધ્યો છે તેમ જ સાઇટ એન્જિનિયર અને કૉન્ટ્રૅક્ટરની ધરપકડ કરાયા બાદ ટેબલ જામીન પર તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. મેટ્રો પ્રશાસન, મ્યુનિસિપલ અધિકારીઓ, એમએમઆરડીએ અને પોલીસ મેટ્રો સ્ટેશનને અડીને આવેલી જમીનનું ધોવાણ થયું હોવાનું ધ્યાનમાં આવતાં આ વિસ્તારમાં દોડી આવ્યાં હતાં. પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે મેટ્રો સ્ટેશન સાથે જોડાયેલી જમીન અને મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તકનો રોડ ખાનગી બિલ્ડરો અગમચેતી ન રાખીને કામ કરતા હોવાથી ધરાશાયી થઈ ગઈ છે. તેથી કસ્તુરબા પોલીસે ખાનગી કૉન્ટ્રૅક્ટર અને સાઇટ એન્જિનિયર વિરુદ્ધ કલમ ૩૩૬ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
આ બનાવ બાદ એની ગંભીરતાને ધ્યાનમાં લઈને યુદ્ધના ધોરણે કામ હાથ ધરાયું છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ, બીએમસીના અધિકારીઓઅને એન્જિનિયર ઘટનાસ્થળે જલદી કામ થાય એવા પ્રયત્નો કરતા દેખાયા હતા.
આ દુર્ઘટના બાદ સ્ટેશન પાસેનો અને હાઇવેનો સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે ત્યાંથી અવરજવર કરવી ભારે મુશ્કેલ બની રહી છે.
માગાઠાણે મેટ્રો સ્ટેશનની પાસે જમીન ધસી પડવાને કારણે યુદ્ધના ધોરણે રિપેરિંગ ચાલી રહ્યું છે. એથી ત્યાંથી દૂર કરવામાં આવી રહેલી માટીને લઈ જવા હાઇવે પાસે અનેક ટ્રકો પાર્ક કરવામાં આવી છે. એને કારણે હાઇવે પરથી પસાર થવામાં લોકોને પરેશાની થઈ રહી છે.