19 August, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેમ્બુરમાં એક વસાહતની સંરક્ષણ દીવાલ પત્તાંના મહેલની જેમ ધસી પડી
બે દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે અનેક જર્જરિત ઇમારતોને નુકસાન થયું હતું. ચેમ્બુરમાં વાશી નાકા નજીક અશોકનગરમાં એક ટેકરી પરની જમીન ધસી પડી હતી. એને લીધે ટેકરી પર ઊભી કરાયેલી ઝૂંપડપટ્ટી વસાહતની સંરક્ષણ-દીવાલ તૂટી પડતાં ૭ ઘરને નુકસાન થયું હતું.
આ દીવાલ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા બનાવાયેલી હતી. રવિવારે રાતે ૭ વાગ્યાની આસપાસ રહેવાસીઓએ સંરક્ષણ-દીવાલમાં તિરાડો પડતી હોવાનું જોયું હતું. અમુક જ્ગ્યાએથી દીવાલ તૂટવાની શરૂ થતાં રહેવાસીઓએ તાત્કાલિક જગ્યા ખાલી કરી દીધી હતી. થોડા સમયમાં જ દીવાલનો એક બાજુનો હિસ્સો પડવા લાગ્યો હતો અને થોડી જ ક્ષણોમાં આખી દીવાલ એને અડીને ઊભેલાં ઘર સાથે જ પડી ગઈ હતી. દીવાલ નજીકનાં ઘરો પર ધડાકાભેર પડી હતી. એને લીધે આશરે ૭ ઘરને નુકસાન થયું હતું. જોકે રહેવાસીઓ સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી.
મુંબઈ ફાયર-બ્રિગેડ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ કાટમાળ હટાવીને બચાવકાર્ય શરૂ કર્યું હતું. જે ઘરોને નુકસાન થયું છે એ રિપેર ન થાય ત્યાં સુધી એમાં રહેતા પરિવારોને શેલ્ટર-હોમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.