મમ્મીના મૃતદેહનો નિકાલ કરવા રિમ્પલે ઍસિડનો ઉપયોગ કરવા સાથે બાળી નાખવાની કરી કોશિશ

20 March, 2023 02:24 PM IST  |  Mumbai | Anurag Kamble

મમ્મી વીણાના મૃત્યુ બાદ તરત જ રિમ્પલ હાર્ડવેર સ્ટોરમાંથી કટિંગ મશીન, ઍસિડ, રૂમ ફ્રેશનર, પરફ્યુમ તેમ જ ફિનાઇલ લઈ આવી હતી

મમ્મી વીણા, રિમ્પલ

મમ્મીની હત્યા કરીને તેના મૃતદેહનો નિકાલ કરવા વિવિધ ઉપાય અજમાવનારી ૨૫ વર્ષની રિમ્પલની પૂછપરછમાં આ ભયાનક હિચકારા હત્યાકાંડમાં હજી વધુ ચોંકાવનારી હકીકત સામે આવી હોવાનું કાલાચૌકી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

મમ્મી વીણાના મૃત્યુ બાદ તરત જ રિમ્પલ હાર્ડવેર સ્ટોરમાંથી કટિંગ મશીન, ઍસિડ, રૂમ ફ્રેશનર, પરફ્યુમ તેમ જ ફિનાઇલ લઈ આવી હતી. રિમ્પલે તેની મમ્મીના હાથ કાપી એને સ્ટીલની ટાંકીમાં નાખીને એના પર ઍસિડ રેડ્યો હતો. તેની ગણતરી હતી કે ઍસિડથી હાથના ટુકડા તરત ગળી જશે. જોકે એમ ન થયું. ચાર દિવસ સુધી રાહ જોયા બાદ ઍસિડથી ધાર્યું પરિણામ ન મળતાં તેણે મમ્મી વીણાના શરીરના વધુ નાના ટુકડાઓ કરીને એને બાળવાની કોશિશ કરી. જોકે ધુમાડો થતાં કોઈને શંકા જશે એવા ભયથી રિમ્પલે તરત જ એના પર પાણી નાખી દીધું હતું.

પોલીસને રિમ્પલના ઘરમાંથી બે છરા અને કુહાડી મળ્યાં હતાં, જે તેણે ફૉરેન્સિક ઍનૅલિસિસ માટે મોકલી આપ્યાં હતાં. રિમ્પલે ટીવી-શોમાં જોઈને મૃતદેહના નિકાલનો આઇડિયા મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે તેણે ઑનલાઇન સર્ચ કર્યું હશે એવી શંકાના આધારે પોલીસ તેના ફોનની સર્ચ-હિસ્ટરી પણ તપાસી રહી છે. 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police lalbaug anurag kamble