09 July, 2024 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ઉજવણીમાં એકનાથ શિંદેએ કુલ ૯૦ જણને પાઘડી પહેરાવીને સન્માનિત કર્યા છે
કચ્છ અસ્મિતા મંચ-થાણાના સુરેશ ગડા દ્વારા થાણેમાં અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેનું આ અઢારમું વર્ષ હતું. આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારી ૬ વ્યક્તિઓને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કચ્છી પાઘડી પહેરાવીને સન્માનિત કરી હતી. વર્ષ ૨૦૨૪ના કચ્છી પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવેલા મહાનુભાવોમાં શૈક્ષણિક ક્ષેત્રે કિમયા મયૂર બૌવા, નારીક્ષેત્રે જસ્મિન પરેશ ગડા, સમાજસેવિકા ઝવેર હંસરાજ છેડા, કલાક્ષેત્રે હર્શિતા ગિરીશ ગિંદરા, વેપાર અને સામાજિક ક્ષેત્રે પ્રેમજી અરજણ બોરીચા, કાયદાકીય ક્ષેત્રે પ્રકાશ ભાણજી ગડાનો સમાવેશ હતો.
આ કાર્યક્રમમાં સમાજના મહાનુભાવો દીપક ધારશી ભેદા, પ્રેમજી જેઠાલાલ ગાલા, મનોજ રમણલાલ શાહ, અતિથિ વિશેષ તરીકે નવા ચૂંટાયેલા લોકસભાના સભ્ય નરેશ મ્હસ્કે અને વિધાનસભાના સભ્ય નિરંજન ડાવખરેએ ઉપસ્થિત રહી નવા વર્ષની સર્વેને શુભકામના આપી હતી.
કચ્છ અસ્મિતા મંચ-થાણાની અષાઢી બીજની દર વર્ષે થતી આ ઉજવણીમાં એકનાથ શિંદેએ કુલ ૯૦ જણને પાઘડી પહેરાવીને સન્માનિત કર્યા છે. થાણેના ગડકરી રંગાયતનમાં યોજાયેલા આ વખતના કાર્યક્રમમાં નીતા ગાલાના લોકડાયરાનું આયોજન હતું.