✕

ઘરો બન્યાં ગરીબ-સામાન્ય મુંબઈગરાઓ માટે, મોજ બંગલાદેશી ઘૂસણખોરોની?

12 November, 2026 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍન્ટૉપ હિલનાં MHADAનાં ૧૧૦ ઘરોની લહાણી ઘૂસણખોરોને કરીને ગોટાળો કરવામાં આવ્યો હોવાનો કિરીટ સોમૈયાનો આરોપ

કિરીટ સોમૈયા

મુંબઈના લોઅર ઇન્કમ ગ્રુપ (LIG) તથા ઇકૉનૉમિકલી વીકર સેક્શન (EWS) માટે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ ઍરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) દ્વારા બનાવવામાં આવેલાં ઘરોને ખોટી રીતે ગેરકાયદે ઘૂસણખોર બંગલાદેશીઓને ફાળવી દેવામાં આવ્યાં હોવાનો ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ મૂક્યો છે. ગરીબ તથા સર્વસામાન્ય મુંબઈગરાઓ માટે MHADA દ્વારા ઍન્ટૉપ હિલમાં બનાવવામાં આવેલા ૧૧૦ ફ્લૅટ ઘૂસણખોર બંગલાદેશીઓ પચાવી ગયા છે એવું તેમનું કહેવું છે.

કિરીટ સોમૈયાએ આરોપ મૂકતાં કહ્યું હતું કે ‘સર્વસામાન્ય લોકો તથા મુંબઈગરાઓને ઓછા દરે ઘર મળી શકે, ઘરનો હક્ક મળે, તેમના પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થાય એ માટે MHADA દર વર્ષે લૉટરી કાઢે છે. આ લૉટરી મુજબ જુદા-જુદા વર્ગના લોકોને ઘર મળે છે. જોકે આ ફ્લૅટ ગેરકાયદે બંગલાદેશીઓએ પચાવી લીધા છે.’

અરજીઓ હિન્દુઓના નામે, પણ ઘર બંગલાદેશી મુસ્લિમોને
કિરીટ સોમૈયાએ ઘર ખોટી રીતે કબજે કરાયાં હોવાનું જણાવતાં કહ્યું હતું કે ‘આ ફ્લૅટ મેળવવા માટે હિન્દુઓના નામે અરજીઓ કરવામાં આવી હતી. જોકે પાવર ઑફ ઍટર્ની મેળવનારા અને પ્રત્યક્ષ લાભાર્થીઓ બંગલાદેશી મુસ્લિમ ઘૂસણખોરો છે. મેં પુરાવાઓ સાથે MHADA તથા સંબંધિત પ્રધાનોને આ મામલે ફરિયાદ કરી છે તથા તપાસ અને કાર્યવાહીની માગણી કરી છે.’

mumbai news mumbai antop hill kirit somaiya MHADA