30 May, 2025 11:45 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેની સસૂન જનરલ હૉસ્પિટલના ભૂતપૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અજય તાવરે પ્રાઇવેટ હૉસ્પિટલમાં કરવામાં આવતા કિડની ટ્રાન્સપ્લાન્ટના રૅકેટમાં પણ સંડોવાયા હોવાનું જણાઈ આવતાં પુણે પોલીસે ગુરુવારે તેમની એ કેસમાં ધરપકડ કરી હતી. ડૉક્ટર અજય તાવરે હાલ પુણેની યરવડા સેન્ટ્રલ જેલમાં છે. ગયા વર્ષે પુણેના કલ્યાણીનગરમાં ૧૭ વર્ષના ટીનેજરે તેની પૉર્શે કાર પૂરઝડપે ચલાવી આગળ જઈ રહેલી બાઇકને અડફેટે લેતાં બાઇક પર જઈ રહેલા બે જણનાં મોત થયાં હતાં. એ કેસમાં આરોપીના બ્લડ-સૅમ્પલ બદલવાનો આરોપ ડૉક્ટર અજય તાવરે પર છે. પુણે ક્રાઇમ બ્રાન્ચે હવે તેમને ૨૦૨૨ના રુબી હૉલ ક્લિનિકના કિડની ટ્રાન્સપ્લાન્ટના રૅકેટના કેસમાં પકડ્યા છે.
એ કિડની ટ્રાન્સપ્લાન્ટના ગેરકાયદે કેસમાં પોલીસે રુબી હૉલ ક્લિનિકના મૅનેજિંગ ટ્રસ્ટી અને કેટલાક કર્મચારીઓ મળી કુલ ૧૫ જણની સામે કેસ નોંધ્યો હતો.
કોલ્હાપુરની એક મહિલાને કિડની આપવા ૧૫ લાખ આપવામાં આવ્યા હતા. તેને એક પુરુષ દરદી જેને કિડની જોઈતી હતી તેની પત્ની તરીકે પેશ કરવામાં આવી હતી. જોકે તે મહિલાની કિડની એક અન્ય યુવાન મહિલા દરદીને આપવામાં આવી હતી અને એ કિડની મેળવનાર યુવાન મહિલાની માતાની કિડની પેલા પુરુષ દરદીમાં બેસાડવામાં આવી હતી. આમ આ કેસમાં બે દરદીની બે કિડની ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરાયાં હતાં.
ઑપરેશનના ૪ દિવસ બાદ ૨૦૨૨ની ૨૯ માર્ચે કોલ્હાપુરની મહિલાએ તેને મળવાના પૈસાની બાબતે તકરાર થતાં ભાંડો ફોડી નાખ્યો હતો અને આ કિડની-રૅકેટનો પર્દાફાશ થયો હતો.