હોતા હૈ, ચલતા હૈ...

24 April, 2023 08:44 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ફીના મુદ્દે બાળકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવાની ફરિયાદ કરાયાના ૩૮૫ દિવસ પછી પણ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી નથી : આ કેસમાં શું તપાસ થઈ રહી છે એનો પણ પોલીસ જવાબ આપતી ન હોવાની વાલીઓએ કરી ફરિયાદ

ફાઇલ તસવીર

કાંદિવલી-વેસ્ટમાં આવેલી આઇસીએસઈ બોર્ડની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ફી ભરવાના મુદ્દે મૅનેજમેન્ટના કહેવાથી પ્રિન્સિપાલ અને અન્ય ટીચરો દ્વારા બાળકો સાથે કરાયેલા ભેદભાવપૂર્ણ અને અપમાનજનક વર્તન બાબતે બાળકોના વાલીઓએ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કર્યો હતો. એ પછી પોલીસે એ બાળકોનાં સ્ટેટમેન્ટ્સ પણ નોંધ્યાં હતાં. જોકે એ પછી અનેક વાર વાલીઓ દ્વારા ફૉલોઅપ કરવા છતાં પોલીસે આ કેસમાં એક વર્ષ થઈ ગયું હોવા છતાં હજી ચાર્જશીટ ફાઇલ કરી નથી. એફઆઇઆર દાખલ કરાયાના ૩૮૫ દિવસ થયા છે. પોલીસનું એમ જ કહેવું છે કે અમારી તપાસ ચાલુ છે. શું તપાસ ચાલુ છે એ વિશે તેઓ કોઈ ફોડ પાડતા નથી. આ ઘટનાનો ભોગ બનેલા અને એ વખતે નવમા ધોરણના વિદ્યાર્થીઓએ હવે તો દસમા (એસએસસી)ની પરીક્ષા આપીને સ્કૂલ પણ પૂરી કરી દીધી છે.

આ સંદર્ભે એ ફરિયાદ કરનાર વાલીઓએ કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઝોન ૧૧ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અજયકુમાર બંસલ અને અન્ય ઑફિસરોને પણ હાલમાં જ એક અરજી કરીને આ બાબતે પગલાં લેવાની વિનંતી કરી છે. આ બાબતે ‘મિડ-ડે’એ ડીસીપી અજયકુમાર બંસલને મેસેજ કરીને શું પગલાં લેવામાં આવ્યાં એવો સવાલ કર્યો ત્યારે તેમણે મેસેજનો જવાબ આપતાં કહ્યું હતું કે અમે સંબંધિત પોલીસ સ્ટેશન (કાંદિવલી)ને વહેલી તકે આ બાબતે કાયદા મુજબ પગલાં લેવા જણાવ્યું છે. હવે કાંદિવલી પોલીસ શું પગલાં લે છે એના પર વાલીઓની નજર છે.

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર જાધવ છેલ્લા પંદર દિવસથી એમ કહી રહ્યા છે કે અમારી તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ ફાઇલ કરીશું. પણ ક્યારે? એનો કોઈ ચોક્કસ જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.

ઘટના શું બની હતી?
કોરોનામાં અનેક લોકોના નોકરી-ધંધાને અસર થઈ હતી ત્યારે વાલીઓ દ્વારા સ્કૂલને કહેવાયું હતું કે હાલ આર્થિક રીતે અમને ફટકો પડ્યો છે અને સ્કૂલ દ્વારા ઑનલાઇન ક્લાસ લેવાઈ રહ્યા છે જે યોગ્ય છે અને એથી તેઓ ટ્યુશન-ફી તો આપી જ રહ્યા છે પણ સ્કૂલો ફિઝિકલી બંધ હોવાથી એના દ્વારા બીજી બધી જ ઍક્ટિવિટી જેમ કે કમ્પ્યુટર ક્લાસ, લૅબોરેટરી ફી, લાઇબ્રેરી ફી, અન્ય ફી અને ચાર્જિસ જે હકીકતમાં બાળકોને એ સેવા કે ​શિક્ષણ મળી જ નથી રહ્યું તો એની ફી આપશે નહીં. આ બાબતે મૅનેજમેન્ટ સાથે પણ તેમણે ચર્ચા કરી હતી. જોકે ત્યાર બાદ સ્કૂલે કેટલાક વિદ્યાર્થીઓને તેમના વાલીઓએ ફી ભરી ન હોવાથી તેમના રેગ્યુલર ક્લાસમાંથી દફ્તર સાથે ઉઠાડીને લૅબમાં બેસાડ્યા હતા અને ત્યાં આખા દિવસ દરમિયાન કહેવા પૂરતા એકાદ-બે શિક્ષકોને મોકલી તેમને ભણાવાયા હોવાનો દેખાવ ઊભો કરાયો હતો. શિક્ષકોની આવી ભેદભાવભરી વર્તણૂકની બાળકો પર ગંભીર માનસિક અસર થઈ હતી અને તેમણે આ બાબતે ઘરે જઈને તેમના પેરન્ટ્સને વિગત જણાવી હતી. કેટલાંક બાળકોએ તો ત્યાર બાદ અમે સ્કૂલમાં નહીં જઈએ એવું ચોખ્ખું તેમના પેરન્ટ્સને જણાવી દેતાં એ બાળકોના વાલીઓએ સ્કૂલમાં જઈને મૅનેજમેન્ટને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો કે ફીના મુદ્દે વાલીઓ સાથે ચર્ચા કરીને નિવેડો લાવવો જોઈએ અને બાળકોને આ રીતે બીજાં બાળકો સામે હ્યુમિલિએટ ન કરી શકાય. જોકે સ્કૂલે પોતાનું વલણ કાયમ રાખતાં આ વાલીઓએ પ્રિન્સિપાલ રેશમા હેગડે અને અન્યો સામે પોલીસમાં અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી હતી. 

mumbai mumbai news kandivli mumbai police bakulesh trivedi