અમે તો ફસાયા, તમે ન ફસાતા

10 March, 2023 08:39 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

આવું કહેવું છે વિરારમાં બંગલા લેવા જતાં ૩૮ લાખ રૂપિયા ગુમાવનારા ફરિયાદીનું : કાંદિવલીના ગુજરાતીએ સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવ્યા બાદ ત્રણ વર્ષે મલાડ પોલીસે કરી પહેલા આરોપીની ધરપકડ, પણ મુખ્ય આરોપીઓ હજી પકડની બહાર

વિરારમાં બંગલા

વિરાર-ઈસ્ટમાં હાઇવે પાસે આવેલી ટોકરે ગ્રામપંચાયતની હદમાં નાલેશ્વર દીપ રિયલ્ટર્સની આશિયાના ગ્રીન સિટી સ્કીમમાં બંગલો નોંધાવનારા રોકાણકારોના રૂપિયાની ઉચાપત કરનાર પાર્ટનરશિપ ફર્મ નાલેશ્વર દીપ રિયલ્ટર્સ સામે નોંધાયેલી ફરિયાદનાં ત્રણ વર્ષ બાદ આખરે મલાડ પોલીસે તેમના એક પાર્ટનર વિજય પારેખને ૬ માર્ચે ઝડપી લીધો છે. જોકે મલાડ પોલીસનું કહેવું છે આ તો હજી હિમશિલાની ટોચ છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ ઝડપાય એ જરૂરી છે.

આ કેસના ફરિયાદી કિરીટ મોરવાડિયા કાંદિવલીની શંકર ગલીમાં રહે છે. તેમણે મલાડમાં તેમની સાથે થયેલી ૩૮ લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં ફરિયાદ નોધાવી હતી. એ સંદર્ભે તેમણે સેશન્સ કોર્ટ એ પછી હાઈ કોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરી. આખરે હવે પોલીસે એ કેસના એક આરોપી (પાર્ટનર) વિજય પારેખની ધરપકડ કરી છે. એ કેસમાં કંપનીના ભાગીદારો દીપક શાહ, વિજય પારેખ, આનંદ પ્રધાન અને મહેશ નાઈક સામે ફરિયાદ કરાઈ હતી.

કેસની વિગતો જણાવતાં કિરીટ મોરવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ હેઠળ ૩૫૦ બંગલા અને ૧૪૦ રૉ હાઉસ બનવાનાં હતાં. ૧૫ મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો અને જો પૂરો ન થાય તો દર મહિને દોઢ ટકો વ્યાજ આપવાની ઑફર કરાઈ હતી. એથી ફેબ્રુઆરી ૨૦૧૦માં મેં મારા અને મારી પત્નીના નામે પહેલાં બે બંગલા નોંધાવ્યા હતા. એ વખતે એક બંગલાની કિંમત ૧૬ લાખ રૂપિયા નક્કી થઈ હતી. અમે બે બંગલા માટે પહેલાં આઠ લાખ રૂપિયા રોકડા અને ચાર લાખ રૂપિયાનો ચેક એ રીતે પૈસા ચૂકવ્યા હતા. એ પછી કામ ચાલુ થયું હતું અને ઝડપથી કામ થઈ રહ્યું હતું. ત્યાર બાદ અમને તેમણે ફરી ઑફર કરી કે તમને ૧૮ લાખમાં બીજા બંગલા આપી શકીએ એમ છીએ. એથી એપ્રિલ ૨૦૧૦માં ફરી બે બંગલા એમ કુલ ચાર બંગલા અમે બુક કરાવ્યા હતા. જોકે ત્યાર બાદ ૬ મહિના પછી કામ અટકી ગયું હતું. એ પછી એમ કહેવાયું હતું કે એ પ્રોજેક્ટ જે પહેલાં સિડકો પાસે હતો એ હવે વસઈ-વિરાર મહાનગરપાલિકાને ટ્રાન્સફર થઈ ગયો છે. ત્યાર પછી નોટબંધી, જીએસટી વગેરેનાં એક પછી એક કારણો અપાતાં ગયાં અને પ્રોજેક્ટ રખડી પડ્યો. આખરે બંગલો પણ ન મળ્યો અને પૈસા પણ પાછા ન મળતાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦એ મલાડ પોલીસમાં ફરિયાદ કરી હતી. અંદાજે ૪૦૦ જેટલા લોકો સાથે છેતરપિંડી કરાઈ છે. જોકે હવે એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ પાર્ટનરશિપ ડિઝૉલ્વ કરી દીધી છે. જોકે એ વિશે અમને કોઈ જાણ કરાઈ નથી. હવે એ જ જગ્યાએ એ લોકો નાલેશ્વર રિયલ્ટર્સના નામે એ પ્રોજેક્ટ આગળ ધપાવી રહ્યા છે. અમે જ્યારે અમારા બંગલા માગીએ છીએ તો એ લોકો કહે છે કે અત્યારના ભાવ પ્રમાણે પેમેન્ટ કરો તો તમને બંગલો આપીએ. અનેક લોકો એ સ્કીમમાં રોકાણ કરીને ફસાયા છે અને હવે નવા નામે એ લોકો વગર કોઈ સંકોચે એ જ જગ્યાએ બંગલો વેચી રહ્યા છે. આ બાબતે મેં સેશન્સ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી રજૂઆત કર્યા બાદ હવે આખરે ઍક્શન લેવાઈ છે અને મલાડ પોલીસે વિજય પારેખની ધરપકડ કરી છે. નવા રોકાણકારો તેમની બંગલાની સ્કીમમાં રોકાણ કરતાં ચેતી જાય એ જરૂરી છે. અમે તો ફસાયા, પણ બીજા ન ફસાય એ પણ એટલું જ જરૂરી છે.’

આ સંદર્ભે નાલેશ્વર દીપ રિયલ્ટર્સના ભાગીદાર દીપક શાહનો સંપર્ક કરીને તેમનું વર્ઝન લેવાનો પ્રયાસ ‘મિડ-ડે’ દ્વારા કરાયો હતો. જોકે તેમનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો. 


પોલીસનું શું કહેવું છે?
મલાડ પોલીસ સ્ટેશનના આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર સચિન કાપસેએ કહ્યું હતું કે ‘અમે આ કેસના એક આરોપી વિજય પારેખની ધરપકડ કરી છે. જોકે આ તો એ કેસમાં હિમશિલાની ટોચ કહી શકાય. આ કેસના મુખ્ય આરોપીઓ પકડાય એ પણ જરૂરી છે. એ માટે અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’ 
આ બાબતે મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે વિજય પારેખની ધરપકડ કરી છે. તેને આજ સુધીના પોલીસ-કસ્ટડી અપાઈ છે. અમે હાલ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છીએ. અન્ય આરોપીઓને પકડવાના બાકી છે એટલે એના વિશે વધુ ન કહી શકીએ. નહીં તો કેસની તપાસ પર અવળી અસર થઈ શકે છે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police virar bakulesh trivedi