આરે કૉલોનીમાં ૨૦ શ્વાનને છૂટા મૂકી આવેલા લોકો સામે પોલીસે ગંભીર કલમ પણ ઉમેરી

06 May, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાણીપ્રેમી સંસ્થાના વૉલ​ન્ટિયર્સે ત્યાર બાદ આરે કૉલોનીમાં જઈને શોધ ચલાવી હતી અને ૧૨ શ્વાનને પાછા મેળવ્યા હતા. બે ગલૂડિયાં મૃત મળી આવ્યાં હતાં.

ત્રણ ગલૂડિયાં સહિતનાં ૨૦ સ્ટ્રીટ-ડૉગને પકડીને એક ટેમ્પોમાં નાખીને આરે કૉલોનીમાં લઈ ગયા

કાંદિવલી-ઈસ્ટના હનુમાનનગરની સમર્થનગર સોસાયટીના રહેવાસીઓ ૧૩ એપ્રિલે ત્રણ ગલૂડિયાં સહિતનાં ૨૦ સ્ટ્રીટ-ડૉગને પકડીને એક ટેમ્પોમાં નાખીને આરે કૉલોનીમાં લઈ ગયા હતા અને ત્યાં છૂટાં મૂકી દીધાં હતાં. એનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. પ્રાણીપ્રેમી સંસ્થાના વૉલ​ન્ટિયર્સે ત્યાર બાદ આરે કૉલોનીમાં જઈને શોધ ચલાવી હતી અને ૧૨ શ્વાનને પાછા મેળવ્યા હતા. બે ગલૂડિયાં મૃત મળી આવ્યાં હતાં. તેમના પર તીક્ષ્ણ દાંતનાં નિશાન હતાં, જ્યારે એક ગલૂડિયું અને અન્ય શ્વાન મિસિંગ હતાં. તેમની શોધ ચલાવાઈ રહી છે.   

સંસ્થા દ્વારા શરૂઆતમાં આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે આરોપીઓ સામે પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે હવે સંસ્થાએ બે ગલૂડિયાનું મોત થતાં આરોપીઓ સામે પ્રાણીઓને કાયમી અપંગત્વ આવે એ રીતે મારવા સંદર્ભેની કલમ લગાડવા રજૂઆત કરતાં પોલીસે એ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. કાંદિવલી પોલીસે કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે સોસાયટીના રહેવાસીઓની પૂછપરછ કરી છે અને ટૂંક સમયમાં કેસની ચાર્જશીટ ફાઇલ કરીશું. જે ટેમ્પોમાં શ્વાનોને લઈ જવાયા હતા એ ટેમ્પો પણ જપ્ત કરીશું.’

kandivli aarey colony news mumbai mumbai news animal mumbai police