09 March, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે કાંદિવલીના શ્રી વિશ્વકર્મણ્યે ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) વિસ્તારમાં સમયાંતરે ગેરકાયદે બાંધકામો અને ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ સંદર્ભમાં BMCના R-સાઉથ વિભાગે ૭ માર્ચે
કાંદિવલી-ઈસ્ટના શ્રી વિશ્વકર્મણ્યે ચોક (લોખંડવાલા સર્કલ) વિસ્તારમાં ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને ફેરિયાઓના ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે કાંદિવલીના શ્રી વિશ્વકર્મણ્યે ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી અને એનું નિરીક્ષણ કર્યું હતું. ભૂષણ ગગરાણીએ જાતે ઊભા રહીને રસ્તા પર પાર્ક કરેલાં વાહનો અને ફુટપાથ પર ઊભા થયેલા અવરોધોને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ડિલિવરી બાઇક પાર્ક કરીને ટ્રાફિકને અવરોધતી પીત્ઝા શૉપને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.