29 April, 2025 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણમાં રહેતી ૪૮ વર્ષની અર્ચના ધર્મેન્દ્ર કુમાર શનિવારે તેના ઘરમાં પૂજા કરી રહી હતી ત્યારે દીવાની ઝાળ તેના ડ્રેસને લાગતાં એ ડ્રેસ સળગી ઊઠ્યો હતો અને તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. પરિવારના સભ્યો તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. રવિવારે સવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. માનપાડા પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ-રિપોર્ટ નોંધીને તેના મૃતદેહનો તાબો લઈ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો.
ભાયખલાની બેકરીમાં આગ, ૪ ઘાયલ
ભાયખલા-ઈસ્ટની શેઠ મોતીશા લેનમાં આવેલી સુપર બેકરીમાં ગઈ કાલે સાંજે ૫.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગમા ચાર પુરુષો ઘાયલ થયા હતા. તેમને નજીકની મસિના હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સવા કલાક બાદ ૬.૪૦ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ઘાયલોમાં ૪૬ વર્ષના જયેશ પારેખ ૩૦ ટકા દાઝી ગયા હતા. તેમને મસિનામાંથી ભાટિયા હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે આગમાં ૩૫-૪૦ ટકા દાઝી ગયેલા ૩૬ વર્ષના શરિયાર રઇસીને પણ ભાટિયા હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા. અન્ય બે ઘાયલ ૨૫ વર્ષનો ઝુબેર સિદ્દીકી ૧૫ ટકા જેટલો દાઝી ગયો હતો જ્યારે ૨૩ વર્ષનો જાવેદ મોહમ્મદ પણ ૨૦ ટકા જેટલો દાઝી ગયો હતો. તેમને બન્નેને મસિના હૉસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી.