15 July, 2025 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૂંટણી જીત્યા બાદ સ્કૂલની બહાર ઉજવણી કરતા વિદ્યાર્થી.
કલ્યાણ-ઈસ્ટના તીસગાવ પાડામાં આવેલી સમ્રાટ અશોક વિદ્યાલયમાં પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીના દરેક ક્લાસના મૉનિટર શોધવા માટે થયેલી ચૂંટણીમાં ૯ વિદ્યાર્થીઓ બહુમતી મત મેળવીને વર્ગ-પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકશાહીની રીતે ચૂંટણી કેવી રીતે યોજાય છે એ વિશે જાગ્રત કરવા માટે વિદ્યાર્થીઓને ઉમેદવારી ફૉર્મ ભરવા, પાછા ખેંચવા, પ્રચાર કરવા, બૅલટ પેપર દ્વારા મતદાન, મતગણતરી વગેરે જેવા અનુભવો આપવામાં આવ્યા હતા. આશરે એક અઠવાડિયા સુધી ચાલેલી ચૂંટણીપ્રક્રિયા બાદ ચૂંટાઈ આવેલા વિદ્યાર્થીઓએ સ્કૂલની બહાર ગુલાલ ઉડાડી ઉજવણી પણ કરી હતી.
ચૂંટણીમાં વોટિંગ માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા.
સમ્રાટ અશોક વિદ્યાલયના આચાર્ય ગુલાબરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક સ્કૂલમાં વર્ષ શરૂ થતાં નવા મૉનિટરની નિમણૂક કરવામાં આવતી હોય છે. એ જ રીતે આ વર્ષે અમે મૉનિટરની નિમણૂક અનોખા પ્રકારે કરવાનું નક્કી કરી સ્કૂલના વિદ્યાર્થીઓને વિધાનસભા અને વિધાનપરિષદની ચૂંટણીઓ જે રીતે થતી હોય એવી જ રીતે ચૂંટણીનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. એ મુજબ ગયા સોમવારથી ચૂંટણીપ્રક્રિયા સ્કૂલમાં શરૂ થઈ હતી જેમાં શરૂઆતમાં મૉનિટર માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને સામે આવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંગળવારે ફૉર્મ ભરવા માટે સ્કૂલના બીજા ક્લાસિસમાં ઇલેક્શન ઑફિસ તૈયાર કરવામાં આવી હતી. આ ઑફિસમાં પાંચમાથી દસમા ધોરણના મૉનિટરો માટે ઇચ્છુક વિદ્યાર્થીઓએ ફૉર્મ ભર્યાં હતાં. ત્યાર બાદ તમામને ચિહ્ન આપવામાં આવ્યાં હતાં. બુધવાર અને ગુરુવારે વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પ્રચાર અને સભા પણ કરી હતી. એટલું જ નહીં, મૉનિટર ચૂંટાઈ આવતાં તે શું કામ કરશે એની માહિતી પણ તેમણે બીજા વિદ્યાર્થીઓને આપી હતી. અંતમાં શુક્રવારે બૅલટ-પેપર દ્વારા સ્કૂલના બીજા ક્લાસમાં ઇલેક્શન યોજાયું હતું જેમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું હતું. શનિવારે સાંજે એનાં પરિણામો જાહેર કરવામાં આવતાં ચૂંટાઈ આવેલા વિદ્યાર્થીઓનો એક ઉત્સવ સ્કૂલની બહાર ગોઠવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ચૂંટાઈ આવેલા વિદ્યાર્થીઓને ગુલાલ લગાડ્યો હતો.’
વોટની કિંમત સમજાઈ
આચાર્ય ગુલાબરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આઠમા ધોરણમાં ઇલેક્શનના દિવસે એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો જેના કારણે ચૂંટણીમાં ઊભેલો એક વિદ્યાર્થી માત્ર એક જ વોટથી હારી ગયો હતો. જો એ વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યો હોત અને ચૂંટણીમાં ઊભેલા વિદ્યાર્થીને તેણે વોટ કર્યો હોત તો ચૂંટણી ટાઇ થઈ હોત. બીજી તરફ તેના જીતવાના પણ ચાન્સ થયા હોત. એ જોતાં એક વોટની શું કિંમત છે એ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. સાથે સ્કૂલમાં રજા ન કરવી જોઈએ, રજા કરવાથી શું નુકસાન થઈ શકે એ સમજાવવામાં આવ્યું હતું.’