28 May, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી નરેશકુમાર પંચોલી.
કલ્યાણ રેલવે-સ્ટેશનના સાત નંબરના પ્લૅટફૉર્મ પર ગઈ કાલે વહેલી સવારે કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ વડોદરામાં રહેતા નરેશકુમાર પંચોલીની આઠ કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી. પોલીસ પૅટ્રોલિંગ દરમ્યાન નરેશકુમાર પર શંકા આવતાં પોલીસ દ્વારા તેની સામાન્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. એ સમયે તેની બૅગમાંથી અલગ-અલગ ચાર પૅકેટમાં આઠ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની ખેતી તેણે ગામમાં કરી હોવાની પોલીસને શંકા છે. આ ગાંજો કોને ડિલિવરી કરવા માટે આવ્યો હતો એની તપાસ હાથ ધરવામાં આવી છે.
કલ્યાણ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ કાંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર સાત પર અમારા અધિકારીઓ દ્વારા પૅટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું એ સમયે સવારે સાડાચાર વાગ્યાની આસપાસ આરોપી પોતાની બૅગ સંતાડતો જોવા મળ્યો હતો. તેના પર શંકા જતાં તેની વધુ તપાસ કરવામાં આવી ત્યારે ઘટનાનો ખુલાસો થયો હતો. આ કેસમાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ગાંજો કલ્યાણમાં કોને ડિલિવરી કરવાનો હતો એની તપાસ કરવામાં આવી રહી છે.’