23 December, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમલેશ કપાસીના ઘરમાં ખુલ્લાં પડેલાં કબાટ અને વેરવિખેર પડેલો સામાન.
વિદ્યાવિહાર-ઈસ્ટની પામ વ્યુ સોસાયટીમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે કૉન્ગ્રેસના ગુજરાતી સેલના વાઇસ-પ્રેસિડન્ટ કમલેશ કપાસીના ફ્લૅટનાં અને કબાટનાં તોળાં તોડીને ચોરો ૩,૬૧,૦૦૦ રૂપિયાનાં સોના-ચાંદી અને હીરાનાં ઘરેણાં અને રોકડ રકમ ચોરી જતાં આ વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
લૂંટની માહિતી આપતાં ૬૪ વર્ષના કમલેશ કપાસીએ ‘મિડ-ડે’ને કડ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે બે વાગ્યે મારી પત્ની મીતા પર્સનલ કામસર ઘરની બહાર ગઈ હતી. ત્યાર બાદ મારો દીકરો પ્રતીક ઘરે આવ્યો ત્યારે ઘરના દરવાજાનાં લૉક તૂટેલાં જોઈને તેને ફાળ પડી હતી. તેણે તરત જ મને અને પોલીસને જાણ કરી હતી. અમે પહોંચ્યા ત્યારે ફ્લૅટમાંનાં બધાં કબાટ ખુલ્લાં હતાં અને એમાંનો સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતાં ખબર પડી કે કબાટમાંથી ૧,૮૦,૦૦૦ રૂપિયાની બે સોનાની ૧૦ ગ્રામની ચેઇન, ૧,૩૦,૦૦૦ રૂપિયાની બે ડાયમન્ડની વીંટી, ૯૦,૦૦૦ રૂપિયાની સોનાની ૮ ગ્રામની વીંટી, ૧૮,૦૦૦ રૂપિયાના સોનાના ત્રણ સિક્કા અને ૧૫,૦૦૦ રૂપિયા રોકડા કોઈ ચોરી ગયું છે. અમે તરત જ તિલકનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’
તિલકનગર પોલીસે કહ્યું હતું કે ‘અમે ફિંગરપ્રિન્ટ-એક્સપર્ટને બોલાવીને આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ પરથી ચોરને શોધી રહ્યા છીએ. કમલેશ કપાસીના ઘરમાંથી એક અજાણ્યા માણસનું શર્ટ અમને મળ્યું છે.
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક પોસ્ટથી મીરા-ભાઈંદરમાં ખળભળાટ મચ્યો હતો. મીરા-ભાઈંદરકર નામના અકાઉન્ટથી પોસ્ટ થયેલા આ વિડિયોમાં કાશીમીરા વિસ્તારમાં રસ્તા પર ગટર પાસે પડેલાં બ્લૅન્ક આધાર કાર્ડ જોવા મળે છે. આબેહૂબ સાચાં આધાર કાર્ડ જેવી ડિઝાઇનનાં પણ નામ-સરનામાં-ફોટો જેવી કોઈ વિગત વગરનાં કોરાં PVC કાર્ડનો ઢગલો આ વિડિયોમાં જોવા મળ્યો હતો. વિડિયો બનાવનાર પણ આ જોઈને ચોંકી ગયો હતો અને તેણે પ્રશ્ન કર્યો હતો કે જાહેર સ્થળે આવાં બ્લૅન્ક આધાર કાર્ડ કેવી રીતે ફેંકાયાં હશે? આ ગેરકાયદે ન ગણાય? ઇલેક્શન પહેલાં આવાં કાર્ડનો દુરુપયોગ નહીં થાય?
મીરા રોડમાં બાળક સાથે ફુટપાથ પર ચાલતો એક પુરુષ અચાનક ગટરમાં પડી ગયો હતો. ફુટપાથ પર આવેલી ગટરનો એક ભાગ અચાનક ધસી જતાં ત્યાંથી પસાર થઈ રહેલો માણસ ગટરમાં પડી ગયો હતો. સદ્નસીબે તેને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયા બાદ અનેક લોકોએ કૉર્પોરેશનના કામને વખોડ્યું હતું. અગાઉ પણ આ રીતે ખુલ્લી ગટરમાં બાળકો પડી જવાના બનાવ બન્યા છે. વિડિયોમાં આસપાસના લોકો એ વ્યક્તિને ગટરમાંથી બહાર કાઢવા ભેગા થયા હતા.
બાંદરા-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાણીની એક મોટી પાઇપલાઇન ખૂલી જતાં ભારે ફોર્સથી પાણી નજીકની ઝૂંપડપટ્ટી પર ઊડ્યું હતું. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના હેડક્વૉર્ટર્સ નજીક બનેલા આ બનાવ બાદ ત્યાં કામ કરતા સફાઈ-કામદારને પૂછપરછ કરતાં જણાયું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ ગઈ કાલે સવારે ૯ વાગ્યે હૉસનો નળ ખોલ્યો હતો. તસવીર: સતેજ શિંદે