છેતરપિંડીના કેસમાં પકડાયેલા બિલ્ડર જયેશ તન્નાને ૩ જૂન સુધી જેલ-કસ્ટડી

23 May, 2023 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે તેની ઈઓડબ્લ્યુની કસ્ટડી પૂરી થતાં કોર્ટમાં ફરી રજૂ કરાતાં કોર્ટે તેને ૩ જૂન સુધીની જેલ-કસ્ટડી આપી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અંધેરીમાં ડી. એન. નગરમાં સૂર્યકિરણ કો-ઑ.હા. સોસાયટીને રીડેવલપ કરી રહેલા કાંદિવલીના જાણીતા બિલ્ડર જયેશ તન્નાની સામે એ પ્રોજેક્ટમાં છેતરપિંડી કરવા બદલ નોંધાયેલી ફરિયાદના આધારે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે ધરપકડ કરી હતી. ગઈ કાલે તેની ઈઓડબ્લ્યુની કસ્ટડી પૂરી થતાં કોર્ટમાં ફરી રજૂ કરાતાં કોર્ટે તેને ૩ જૂન સુધીની જેલ-કસ્ટડી આપી હતી.

જોકે પહેલાં ઈઓડબ્લ્યુ તરફથી તેમની કસ્ટડી લંબાવી આપવા રજૂઆત થઈ હતી, પણ કોર્ટે એ માન્ય ન રાખતાં તેને જેલ-કસ્ટડી આપી હતી. જોકે એ પછી જયેશ તન્નાના વકીલ આબાદ પોંડા દ્વારા જામીન અરજી કરાઈ હતી, જેના પર કોર્ટે ૨૯ મેએ સુનાવણી રાખી છે.  

આ કેસના ફરિયાદી બેલુર શેટ્ટીએ જયેશ તન્નાના એ પ્રોજેક્ટમાં પાંચ ફ્લૅટ બુક કરાવ્યા હતા અને એ માટે ૩.૬૩ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તેમને અલોટ કરવામાં આવેલા પાંચ ફ્લૅટમાંથી ૩ ફ્લૅટ રીડેવલપમેન્ટના જૂના રહેવાસીઓને ફાળવી દેવાયા હોવાની જાણ થતાં બેલુર શેટ્ટીએ આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.  

mumbai mumbai news andheri