16 June, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં મહાવિકાસ આઘાડીના નેતાઓ. (તસવીર- સૈયદ સમીર અબેદી)
લોકસભાની ચૂંટણીમાં સત્તામાં ન હોવા છતાં મહાવિકાસ આઘાડીએ ૪૮માંથી ૩૦ બેઠક મેળવીને જ્વલંત વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ પહેલી વખત મહાવિકાસ આઘાડીમાં સામેલ પક્ષોની મુંબઈમાં ગઈ કાલે સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ કરવામાં આવી હતી. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીના સ્ટ્રાઇક-રેટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વડા પ્રધાને ૧૮ જાહેર સભા અને એક રોડ-શો કર્યાં હતાં. આ તમામ જગ્યાએ મહાવિકાસ આઘાડીના ઉમેદવારોનો મોટા માર્જિનથી વિજય થયો છે. થોડા મહિનાઓમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે એમાં પણ વડા પ્રધાન જેટલી વધુ સભા કરશે એટલું મહાવિકાસ આઘાડીને જનતાનું સમર્થન મળશે અને અમે રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મેળવીશું. લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનને લીધે અમે વધુ બેઠકો મેળવી છે એટલે તેમનો આભાર વ્યક્ત કરવાનું મારું કર્તવ્ય છે.’
સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં મળેલો વિજય તો શરૂઆત છે. અમને વિશ્વાસ છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં અમારા ગઠબંધનને જનતાનું ભરપૂર સમર્થન મળશે અને અમે સરકાર બનાવીશું. ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી ન શકે એવું કહેનારાઓને જનતાએ લોકસભાની ચૂંટણીમાં જવાબ આપી દીધો છે.’