થાણેના કૅડબરી સિગ્નલ પરના ઇન્ટેલિજન્ટ કૅમેરાએ અઢી મહિનામાં ૩૦,૦૮૫ વાહનોને દંડની ઇન્સ્ટન્ટ પાવતી મોકલી

20 November, 2025 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર એક સિગ્નલ પર લાગેલા કૅમેરાથી ૩૦,૦૦૦થી વધારે વાહનચાલકો પર કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે

કૅડબરી જંક્શન

થાણે ટ્રાફિક વિભાગ દ્વારા અઢી મહિના પહેલાં પ્રાયોગિક ધોરણે કૅડબરી જંક્શન પર ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (ITMS) ઑપરેટેડ કૅમેરાથી ૩૦,૦૮૫ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. ITMSથી વિધાઉટ હેલ્મેટ, સિગ્નલ-જમ્પિંગ તેમ જ ટ્રિપલ સીટ વાહન ચલાવતા નાગરિકો સામે ઑનલાઇન કાર્યવાહી કરીને નિયમનું પાલન ન કરવા બદલ તેમના મોબાઇલ પર ફાઇનની પાવતી મોકલવામાં આવી હતી. ટ્રાફિક વિભાગ પ્રાયોગિક ધોરણે લગાડવામાં આવેલી આ ITMSને થાણેના બીજા વિસ્તારોમાં પણ લગાડવાની તૈયારી કરી રહ્યો છે. એનાથી થાણેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકો પર કડક રીતે નજર રાખવામાં આવશે.

માત્ર એક સિગ્નલ પર લાગેલા કૅમેરાથી ૩૦,૦૦૦થી વધારે વાહનચાલકો પર કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. થોડા વખતમાં થાણેના બીજા વિસ્તારમાં પણ અમે આ પ્રકારની સિસ્ટમ બેસાડવા જઈ રહ્યા છે એટલે થાણેમાં તમામ વાહનચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા અમારી અપીલ છે એમ જણાવતાં થાણે ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં થાણેના મહત્ત્વપૂર્ણ ટ્રાફિક સિગ્નલ કૅડબરી જંક્શન પર અત્યાધુનિક ITMS ઑપરેટેડ કૅમેરા લગાડવામાં આવ્યા હતા જેમાં એ મહિને ૧૬,૭૦૯ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એમાંથી ૧૧,૦૦૦ વાહનચાલકો સિગ્નલ તોડતાં પકડાયા હતા. ત્યાર બાદ ઑક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધીમાં ૧૩,૩૭૬ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ દોષિત વાહનચાલકોને દંડ સાથે ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે. સિગ્નલ પર લાગેલા ૨૪ કલાક કાર્યરત આ હાઈ-ડેફિનેશન કૅમેરા વાહનચાલકો પર નજર રાખી રહ્યા છે. અમે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને દંડનીય કાર્યવાહી ટાળવા માટે અપીલ કરી છે.’

શું છે ITMS?

ટ્રાફિક વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ITMS આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સાથે મળીને કામ કરે છે. કૅડબરી જંક્શન પર લાગેલા અત્યાધુનિક CCTV કૅમેરાને ITMS સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે જેનાથી કોઈ વાહનચાલક વિધાઉટ હેલ્મેટ, સિગ્નલ-જમ્પિંગ, ટ્રિપલ સીટ વાહન ચલાવતા જોવા મળે ત્યારે તેનો વાહનનંબર સિસ્ટમ દ્વારા નોંધી લેવામાં આવે છે અને એ જ સમયે વાહનચાલકના રજિસ્ટર્ડ મોબાઇલ પર મેસેજ દ્વારા ફાઇનની પાવતી મોકલવામાં આવે છે એટલું જ નહીં, આ ફાઇન કેમ મારવામાં આવ્યો છે એના પુરાવા તરીકે ફોટો પણ મોકલવામાં આવે છે.’

 

mumbai news mumbai thane crime thane mumbai traffic mumbai traffic police