06 December, 2025 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લાઇટ કૅન્સલ થવાના કકળાટ અને મુસાફરોના કોલાહલ વચ્ચે મુંબઈ ઍરપોર્ટ પર ઝૈન રઝા નામના એક મુસાફરે ‘વો લમ્હેં’ ગીત ગાઈને વાતાવરણને થોડું હળવું બનાવ્યું હતું
ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટો રદ થવાને કારણે મુંબઈ ઍરપોર્ટ પર પોલીસને ૨૪ કલાકથી અલર્ટ પર રાખવામાં આવી છે. સતત ચોથા દિવસે ઇન્ડિગોએ અસંખ્ય ફ્લાઇટ્સ રદ કરી હોવાથી હજારો મુસાફરો કલાકો સુધી ઍરપોર્ટ પર અટવાઈ ગયા હતા. ઇન્ક્વાયરી કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી. મુંબઈ ઍરપોર્ટની આસપાસની હોટેલો પૅસેન્જરના બુકિંગથી ઊભરાઈ ગઈ હતી. કેટલીક હોટેલોએ તેમના રૂમના ભાડામાં વધારો કર્યો છે. ટૅક્સી-ભાડામાં પણ વધારો થયો હોવાનો અમુક મુસાફરોએ દાવો કર્યો હતો.
લગેજ ન મળતાં ૭૫ વર્ષનાં મહિલાને દવા વગર જ રહેવું પડ્યું
પુનિતા તોરસ્કર નામની એક યુઝરે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેની મમ્મીને માઇલ્ડ પાર્કિન્સન્સ છે અને તે મુંબઈ ઍરપોર્ટ પર તેમના સામાનની રાહ જોઈ રહી છે. મૅન્ગલોર જવા નીકળેલાં પુનિતાનાં મમ્મી મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ 2 પર ભૂખ્યાં બેઠાં હતાં અને તેમનો સામાન તેમની પાસે નહોતો પહોંચ્યો. આ સામાનમાં જ તેમની દવાઓ પણ હતી. છેવટે સાંજે સામાન મળતાં તેઓ ઘરે પાછાં પહોંચ્યા હતાં.