નવી મુંબઈમાં બનશે ભારતનું સેકન્ડ બિગેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ

03 April, 2026 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક લાખ લોકોને સમાવનારા આ સ્ટેડિયમના પ્રોજેક્ટ માટે રોડમૅપ બનાવવા વિગતવાર ચર્ચા શરૂ કરી મુંબઈ ક્રિકેટ અસોસિએશને

મીટિંગ દરમિયાનની ક્ષણ

નવી મુંબઈમાં પ્રસ્તાવિત વર્લ્ડ-ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટ્રૅટેજિક રોડમૅપની ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ અજિંક્ય નાઈક તથા CIDCOના મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘલ વચ્ચે ગઈ કાલે હાઈ-લેવલની મીટિંગ યોજાઈ હતી.

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ નવી મુંબઈમાં પોતાનું નવું સ્ટેડિયમ બનાવવા માટે જમીનસંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સ્ટેડિયમમાં ૧ લાખ દર્શકો બેસવાની ક્ષમતા હશે. અમદાવાદના ૧.૩૨ લાખની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પછી ભારતનું આ બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. મે ૨૦૨૫માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે MCAને સ્ટેડિયમ માટે જમીન ફાળવવાનું વચન આપ્યું હતું.

આ પહેલ હેઠળ MCAના પ્રમુખ અજિંક્ય નાઈક અને સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO)ના મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘલે આ સીમાચિહ્‍નરૂપ માળખાગત પ્રોજેક્ટ માટે રોડમૅપ બનાવવા માટે વિગતવાર ચર્ચા કરી છે. અજિંક્ય નાઈકે કહ્યું હતું કે ‘આ પહેલ મહારાષ્ટ્રના રમતગમતના લૅન્ડસ્કેપ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રમાં ૧ લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ મુંબઈ ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે એટલું જ નહીં, વૈશ્વિક રમતગમતના નકશા પર મહારાષ્ટ્રને મજબૂત રીતે સ્થાપિત કરશે.’ 

વિશ્વનાં વર્તમાન ટૉપ-ફાઇવ ક્રિકેટ સ્ટેડિયમ

૧.૩૨ લાખ - નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ  
૧,૦૦,૦૨૪- મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ

૬૮,૦૦૦- ઈડન ગાર્ડન્સ, કલકત્તા
૬૫,૦૦૦ - વીર નારાયરણ સિંહ સ્ટેડિયમ, રાયપુર

૬૧,૨૬૬ - પર્થ ક્રિકેટ સ્ટેડિયમ

mumbai news mumbai navi mumbai maharashtra government maharashtra news maharashtra