28 October, 2023 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત
રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું છે કે ડાયમન્ડનું સૌછી મોટુ હબ નવી મુંબઈમાં આવતા વર્ષ સુધીમાં આકાર લેશે. એટલુ જ નહી એ માટેની પોલીસીઓ પણ તૈયાર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના વડા નાના પટોલેએ આક્ષેપ કરતા કહ્યું હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાતે આવ્યા હતા અને તેમનો ઇરાદો છે કે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં ચાલી જાય, જેમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે.
ઉદય સામંત હાલ વિદર્ભની મુલાકાતે છે અને યવતમાળમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું હતું કે દેશનું સૌથી મોટુ ડાયમન્ડ હબ નવી મુંબઈમાં આકાર લેશે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા પ્રોજેક્ટસ ગુજરાત અને કર્ણાટકમાં ચાલ્યા ગયા છે. જોકે છેલ્લા એક વર્ષથી રાજ્યમાં જે નવી સરકાર આવી છે ત્યારથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને વિશ્વાસ બેઠો છે કે સરકાર તેમની પડખે છે તેમને સપોર્ટ કરશે. એસબીઆઇના ક્વૉર્ટરલી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છેલ્લા દોઢ વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે.