16 August, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મુંબઈના મંત્રાલય ખાતે ધ્વજવંદન બાદ સંબોધન કર્યું (તસવીર - એક્સ)
આજે દેશ જ્યારે ૭૯મો સ્વતંત્રતા દિવસ (Independence Day 2025) ઊજવી રહ્યો છે ત્યારે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ મુંબઈમાં ધ્વજારોહણ કર્યું હતું અને મહારાષ્ટ્રની જનતાને શુભકામનાઓ પાઠવી હતી.
ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનેક મુદ્દાઓને (Independence Day 2025) ટાંકીને ભાષણ આપ્યું હતું. જેમાં તેઓએ `ઓપરેશન સિંદૂર`ની પણ પ્રશંસા કરી હતી. તેમણે આ ઓપરેશનમાં સામેલ તમામ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. દેશ વિકાસના પંથે જયારે ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે દાયકામાં ભારતની અર્થવ્યવસ્થા ૧૧મા સ્થાનેથી ચોથા સ્થાને આવી છે. આ સાથે જ તેઓએ આત્મનિર્ભર ભારતના નિર્માણ પર પણ ભાર મૂક્યો હતો.
આત્મનિર્ભર ભારત
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારતની (Independence Day 2025) સંકલ્પનાને મજબૂતી મળી રહી છે. દેશમાં લગભગ 40 ટકા સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) મહારાષ્ટ્રમાંથી આવે છે. ઉપરાંત, મહારાષ્ટ્ર ઉત્પાદન, નિકાસ અને સ્ટાર્ટ-અપ્સમાં પ્રથમ ક્રમે છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ઉચ્ચ શિક્ષણ અને માનવ સંસાધન વિકાસની મદદથી દેશના વિકાસનું નેતૃત્વ કરશે.
યોજનાઓ પર ભાર મૂક્યો
કેટલીક યોજનાઓ પણ આજે (Independence Day 2025) તેઓએ શરુ કરાવી છે. ખાસ કરીને ખેડૂતોને હવે પાંચ વર્ષ માટે મફત વીજળી આપવામાં આવશે. ઉપરાંત, દિવસમાં બાર કલાક વીજળી આપવા માટે `મુખ્યમંત્રી સૌર કૃષિ પરિયોજના`ની પણ તેઓએ વાત કરી હતી. મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બનશે જ્યાં ખેડૂતોને દિવસમાં બાર કલાક હરિત વીજળી મળશે. નદીઓના જોડાણથી કૃષિ અને ઉદ્યોગો માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ થશે.
નક્સલવાદથી પ્રભાવિત ગઢચીરોલી હવે બન્યું છે સ્ટીલ હબ
ગ્રામીણ અને ઔદ્યોગિક વિકાસ વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે એક સમયે નક્સલવાદથી પ્રભાવિત ગઢચીરોલી હવે સ્ટીલ માટેનું મહત્વનું કેન્દ્ર બનવાના પંથે છે. (Independence Day 2025) તેમણે કહ્યું કે ઉત્પાદકતામાં વધારો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કૃષિમાં સંકલિત કરવામાં આવી રહી છે. નવા હવાઇમથકો અને બંદરો સહિત હાલની સુવિધાઓમાં સુધારા સહિત રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચરલ વિકાસ પર પણ ભાર મૂક્યો હતો. રાજ્યમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ ચાલી રહી છે. જેમાં વઢવાણ બંદર, પૂણે, નાગપુર, ગઢચીરોલી, અમરાવતી ખાતે એરપોર્ટનું આધુનિકીકરણ અને સમૃદ્ધિ હાઇવે જેવી પરિયોજનાઓનો સમાવેશ થાય છે. હજારથી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં સિમેન્ટ-કોંક્રિટ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજ અને સંતોએ બતાવેલા માર્ગ પર સતત આગળ વધતું રહેશે એમ કહી મુખ્યમંત્રીએ દેશની વિકાસ યાત્રામાં મહારાષ્ટ્ર કેટલું મોટું ભાગીદાર છે તે વિષે ભારપૂર્વક વાત કરી હતી.