ઇમિટેશન જ્વેલરની જાહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ

29 May, 2023 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વહેલી સવારે જાહેરમાં ગોળીબાર કરીને હત્યા કરવામાં આવતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો

હત્યા કરવામાં આવેલો મનોજ ચૌહાણ

કાંદિવલી (વેસ્ટ)માં લિન્ક રોડને અડીને આવેલા લાલજીપાડા વિસ્તારમાં ગઈ કાલે સવારે સાત વાગ્યે ૩૨ વર્ષના એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. મૃતક યુવક ઇમિટેશન જ્વેલરીનો ધંધો કરતો હતો અને તેની હત્યા કોઈક જૂની દુશ્મનાવટને કારણે કરવામાં આવી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. વહેલી સવારે જાહેરમાં ગોળીબાર કરીને હત્યા કરવામાં આવતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ગન લૉક હતી એટલે આરોપી પહેલા ફાયરિંગ નહોતો કરી શક્યો, બાદમાં તેણે અનલૉક કરીને બીજી વખત ગોળીબાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ સવારના સાત વાગ્યે મનોજ ચૌહાણ લાલજીપાડામાં રસ્તામાં જતો હતો ત્યારે તેને રસ્તામાં રોકીને એક યુવકે નજીકથી ગોળીબાર કર્યો હતો, જેમાં મનોજનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ફાયરિંગની આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે, જેમાં ફાયરિંગ કરનારો યુવક મનોજને ગોળી મારીને ભાગી ગયો હોવાનું જણાઈ આવે છે. આ ઘટના બની ત્યારે રસ્તામાં અનેક લોકો હતા. આટલા બધા લોકોની હાજરીમાં ગોળીબાર કરવામાં આવ્યો છે એટલે કોઈક દુશ્મનાવટને લીધે આ હત્યા કરવામાં આવી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

લાલજીપાડામાં ગોળીબાર કરીને એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ કાંદિવલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવક મનોજની છાતીમાં ગોળી વાગવાથી તે રસ્તામાં લોહીના ખાબોચિયામાં ઢળી પડેલો જોવા મળ્યો હતો.

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનકર જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૨ વર્ષનો મૂળ ઉત્તર પ્રદેશનો યુવક મનોજ ચૌહાણ ઇમિટેશન જ્વેલરી બનાવવાનું કામકાજ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. હત્યાની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે અને એને આધારે હત્યારાને ઓળખવાના પ્રયાસ અમે હાથ ધર્યા છે. ધંધાકીય કે અંગત અદાવતને લીધે આ હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. જોકે આરોપી હત્યારો હાથ લાગ્યા બાદ જ જાણી શકાશે કે તેણે શા માટે મનોજને મોતને ઘાટ ઉતાર્યો છે. અમે અજાણ્યા હત્યારા સામે હત્યાનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.’

mumbai mumbai news kandivli link road Crime News mumbai crime news mumbai police