IIT Bombayની હૉસ્ટેલમાં કૅન્ટીન સ્ટાફે મહિલા હૉસ્ટેલના બાથરૂમમાં ડોકિયું કરતા હોબાળો, કેસ ફાઇલ

20 September, 2022 11:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પવઇ પોલીસે નોંધી એફઆઇઆર

આઇઆઇટી બૉમ્બે મુખ્ય દ્વાર (ડાબે) અને હૉસ્ટેલ ૧૦ (જમણે). (ફાઇલ તસવીરો)

ચંદીગઢ યુનિવર્સિટી (Chandigarh University)ની ગર્લ્સ હૉસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના અભદ્ર વિડિયો બનાવવા બાદ થયેલો હોબાળો તાજો છે ત્યાં જ મુંબઈના એક ખ્યાનામ ઇન્સ્ટિટ્યૂટમાં આને મળતી ઘટના બની હોવાની માહિતી મળી છે. રવિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બૉમ્બે (IIT Bombay)માં લગભગ આવી જ ઘટના ઘટી હોવાનું જાણ થયું છે.

આઇઆઇટી બૉમ્બેની એક વિદ્યાર્થીનીએ પવઇ પોલીસ (Powai Police)નો સંપર્ક કર્યો છે. વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું છે કે, આઇઆઇટી બૉમ્બેના એક કૅન્ટીન વર્કરે રવિવારે રાત્રે હૉસ્ટેલ ૧૦ (H10)ના બાથરુમનો ડોકિયા કર્યા હતા. વિદ્યાર્થીનીની ફરિયાદ બાદ પવઇ પોલીસે કલમ ૩૪૫સી (વોયરિઝમ) હેઠળ એફઆઇઆર નોંધી છે. તે જ રાત્રે આઇઆઇટી બૉમ્બેની એક વિદ્યાર્થીની અને કેટલાક પ્રતિનિધિઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.

પવઇ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર બુધન સાવંતે જણાવ્યું હતું કે, ‘કૅન્ટીન વર્કર વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૪૫સી (વોયરિઝમ) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. એફઆઇઆર દાખલ થયા બાદ રવિવારે રાત્રે આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં હજી સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.’

પીડિત વિદ્યાર્થીનીને હૉસ્ટેલ ૧૦ના બાથરૂમમાં વિન્ડો સ્લિટ્સમાંથી કોઈ ડોકિયા કરી રહ્યું હોય તેવી ખબર પડતા જ તેણે તાત્કાલિક સૌને સજાગ કર્યા હતા, તેમજ તેણે તાત્કાલિક હૉસ્ટેલ કાઉન્સિલ અને અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. બાદમાં આઇઆઇટી બૉમ્બેના અધિકારીઓએ કૅન્ટીન વર્કરની તપાસ કરી હતી.

ઇન-હાઉસ ઇનસાઇટ મેગેઝિન (સ્ટુડન્ટ્સ મેગેઝિન)એ આ મુદ્દાને હાઇલાઇટ કર્યો હતો. મેગેઝિનના બ્લોગમાં લખ્યું હતું કે, ‘કેટલીક વિંગમાં પાઇપલાઇનની ગોઠવણી એ રીતે હોય છે કે તે સીધા બાથરુમની બારીને જોડતા હોય. ગુનેગાર આવા જ એક પાઈપ પર ચઢી ગયો હતો અને તેની મદદથી તે બાથરૂમની બારીઓ સુધી પહોંચી શક્યો હતો.’

આઇઆઇટી બૉમ્બેના સ્ટુડન્ટ્સ અફૅરના ડીન પ્રોફેસર તપનેન્દુ કુંડુએ જણાવ્યું હતું કે, ‘આ ઘટના પછી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે. બહારની બાજુથી બાથરુમની બારીઓનો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. H10ના સર્વેક્ષણ પછી, જરૂરી સ્થળોએ સીસીટીવી કૅમેરા અને લાઇટિંગ પણ મુકવામાં આવ્યા છે.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘તે રાત્રે કૅન્ટીનમાં ડ્યુટી પર પુરુષ વર્કરનો સ્ટાફ હતો. હવે, H10ના રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે. હાલમાં, કેન્ટીન બંધ છે અને અમે હવે આ કેન્ટીનમાં માત્ર મહિલા સ્ટાફને જ નોકરી આપવાનું નક્કી કર્યું છે.’

mumbai mumbai news Crime News mumbai crime news powai mumbai police iit bombay