જો હવે ગૌશાળાના સ્થળાંતરની વાત થશે તો શાંતિથી આવેલા લોકો તીવ્ર વિરોધ કરશે

23 January, 2023 07:49 AM IST  |  Mumbai | Mehul Jethva

૧૦૦ વર્ષ જૂની ગૌશાળાને બીજે જતી અટકાવવા માટે મુલુંડમાં ૨૦૦૦ લોકોએ કાઢી નિષેધ-રૅલી

ગૌશાળાના સ્થળાંતરનો નિષેધ કરવા આવેલા હજારો લોકો

મુંબઈ : મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર નથુલાલજી ચૅરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના સ્થળાંતરના મુદ્દે ગઈ કાલે આશરે ૨,૦૦૦ ગોભક્તોએ મુલુંડમાં નિષેધ-રૅલી કાઢી હતી. એની શરૂઆત ઝવેર રોડ પર આવેલા દેરાસરથી થઈ હતી અને ગૌશાળાના દરવાજે પૂરી થઈ હતી. આ રૅલીમાં તમામ પાર્ટીના નેતાઓ અને ગુજરાતી, કચ્છી અને જૈન સમાજના પ્રમુખો ગાયોનું સ્થળાંતર અટકાવવા એકસાથે ઊભા રહ્યા હતા. મુલુંડ પોલીસના અધિકારીઓએ સવારે સાડાસાત વાગ્યાથી યોગ્ય બંદોબસ્ત કરીને લૉ ઍન્ડ ઑર્ડરની સમસ્યા ન સર્જાય એ માટે વિશેષ ટીમ બનાવી હતી. બીજી તરફ રૅલીમાં જોડાવા આવેલા લોકોએ કોઈ અવાજ કર્યા વગર માત્ર નિષેધ નોંધાવ્યો હતો.

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આશરે એક સદી જૂની ગૌશાળા છે, જેનું સંચાલન નથુ લાલજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. એક સદી પહેલાં અહીંની તમામ જગ્યા પર ગાયોને રાખવામાં આવતી હતી. જોકે હાલમાં હવે માત્ર એક એકરમાં ગૌશાળા સંકોચાઈ ગઈ છે. એને પણ ટ્રસ્ટ દ્વારા બીજી જગ્યાએ ખસેડવા માટેનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. આમાંની આશરે ૬૦ ગાયને પહેલાં જ ધુળેની ગૌશાળામાં ખસેડવામાં આવી છે. બીજી ગાયોને પણ ખસેડવામાં આવતી હોવાની માહિતી ગોભક્તોને મળતાં સ્થળાંતર સામે વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. ત્યાર પછી મુલુંડમાંના બધા સમાજના લોકોએ ટીમવર્ક કરીને ગઈ કાલે સવારે નિષેધ-રૅલીનું આયોજન કર્યું હતું, જેમાં આશરે ૨,૦૦૦ લોકો જોડાયા હતા. કેટલાક નાગરિકો સિનિયર સિટિઝન અને હૅન્ડિકૅપ્ડ હોવા છતાં ગાયો માટે આશરે બે કિલોમીટર નિષેધ કરવા ચાલ્યા હતા. એટલું જ નહીં, આ રૅલીમાં ભાગ લેવા વહેલી સવારે ૩૦૦ મહિલાઓ પણ જોડાઈ હતી. ‘ગૌશાળાનું અહીંથી સ્થળાંતર નહીં, પણ અહીં જ સ્થાયીકરણ કરો’ એવા સૂર નાગરિકોના ઊઠ્યા હતા.

નિષેધ-રૅલીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભરત જાની (મહારાજ)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રૅલીમાં આવેલા લોકો નિઃસ્વાર્થભાવે માત્ર ગાયોનું સ્થળાંતર અટકાવવા માટે આવ્યા હતા. આ લોકોમાં ઊર્જાનો એક અલગ સ્રોત જોવા મળ્યો હતો. શાંતિપૂર્વક થયેલી રૅલીમાં બધા સમાજના લોકો જોડાયા હતા, જેમાં કાયદાનું કોઈ જગ્યાએ ભંગ ન થાય તથા પોલીસને પણ કોઈ પરેશાની ન થાય એ માટે વિશેષ કાળજી લેવામાં આવી હતી. એવી જ રીતે રસ્તા પરથી પસાર થતા લોકોને કોઈ ત્રાસ ન થાય એની પણ કાળજી લેવામાં આવી હતી. ગઈ કાલે અમે શાંતિપૂર્વક નિષેધ-રૅલી કરી હતી, પણ જો આવતા સમયમાં સ્થળાંતરની વાત સામે આવશે તો શાંતિપૂર્વક આવેલા લોકો તીવ્ર વિરોધ કરતા જોવા મળશે. આ રૅલી સાથે અમે કોર્ટમાં સ્ટે માટે પણ ગયા છીએ, જેની આવનારા દિવસોમાં તારીખ છે ત્યારે વધુ પિક્ચર ક્લિયર થશે એવી શક્યતા છે.’

mumbai mumbai news mulund