09 December, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મારકડવાડીના લોકોને સંબોધી રહેલા શરદ પવાર.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માળશિરસ વિધાનસભા મતદારસંઘમાં આવેલા મારકડવાડી ગામના રહેવાસીઓએ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)નો વિરોધ કરીને બૅલટ પેપરથી મતદાન કરવાની માગણી કરી છે. અમુક ગામવાસીઓનો આરોપ છે કે તેમના ગામમાંથી મહાયુતિના ઉમેદવારને ઓછું મતદાન થયું હોવા છતાં તેમને વધારે મત કઈ રીતે મળ્યા? EVMમાં ગરબડ થવાની શંકા છે એટલે તેમણે ફરીથી અહીં બૅલટ પેપરથી ચૂંટણી કરવાની તૈયારી કરી હતી. જોકે પોલીસે ગામમાં ચારથી વધુ લોકોને જમા ન થવાનો આદેશ આપ્યો હતો એટલે બૅલટ પેપરથી મતદાન નહોતું થઈ શક્યું. જોકે ગામવાસીઓનો આવો વિરોધ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહા વિકાસ આઘાડીના નેતાઓએ EVMના વિરોધનું કેન્દ્ર મારકડવાડી ગામને બનાવ્યું છે.
મહા વિકાસ આઘાડીના જનક શરદ પવાર ગઈ કાલે મારકડવાડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમેરિકામાં આજેય મતદાન બૅલટ પેપરથી થાય છે. અનેક દેશોએ EVMનો ત્યાગ કર્યો છે. લોકોના મનમાં શંકા છે એનું નિવારણ થવું જોઈએ. ઇલેક્શન કમિશન ચૂંટણીપ્રક્રિયાના પ્રશ્નોના તમામ જવાબ નહીં આપે ત્યાં સુધી લડીશું. પોલીસે ગામમાં લોકોને એકત્રિત ન થવાનું કહ્યું છે. મુખ્ય પ્રધાને કહ્યું કે મારે મારકડવાડી જવું બરાબર નથી. મને તમે કહો કે શંકાની માહિતી લઈને એનું નિવારણ કરવું ખોટું છે? લોકશાહી શા માટે છે? અહીં અમારે રાજકારણ લાવવું નથી, લોકોની શંકાનું સમાધાન કરવાનું છે. આવી સ્થિતિમાં પોલીસે લોકોને જમા ન થવાનો આદેશ આપવાનું કારણું શું છે?’