01 October, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાહનો પર સ્ટિકર લગાડતા લોકો.
કુર્લા-વેસ્ટમાં આઝાદ હોટેલ પાસે કેટલાક મુસ્લિમો રસ્તા પર આવતાં ટૂ-વ્હીલર્સ અને રિક્ષાઓ સામે ઊભા રહીને એના પર વાહનચાલક કંઈ સમજે કે બોલે એ પહેલાં જ I LOVE MUHAMMADનું સ્ટિકર લગાડી રહ્યા હતા. એનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. મુસ્લિમો મોટી સંખ્યામાં હોવાથી એ વાહનચાલકો કશો વિરોધ પણ કરી શકતા નહોતા. જોકે ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાને એ વિડિયો કોઈએ મોકલાવ્યો હતો અને એ બાબતે ફરિયાદ કરી હતી. એથી કિરીટ સોમૈયા કુર્લા પહોંચી ગયા હતા અને એ સ્પૉટ પર જવા નીકળ્યા હતા. જોકે પોલીસે તેમને એ સ્પૉટ પર જવા દીધા નહોતા અને રોક્યા હતા. ત્યાર બાદ કિરીટ સોમૈયા કુર્લા પોલીસ-સ્ટેશનમાં ગયા હતા અને જબરદસ્તી સ્ટિકર લગાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી. કુર્લા પોલીસે તેમની ફરિયાદ લીધી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પોલીસે તપાસ ચાલુ કરીને કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
કુર્લામાં પોલીસ-સ્ટેશનની બહાર મીડિયા સાથે વાત કરતા કિરીટ સોમૈયા
પોલીસ-સ્ટેશનમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘પોલીસે મને એ જગ્યાએ જવા દીધો નહોતો અને પોલીસ-સ્ટેશનમાં લાવી હતી. પોલીસે મને પ્રૉમિસ કર્યું છે કે તેમણે કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. મેં તેમને આ ઘટનાના વિડિયો પણ આપ્યા છે. તેમની પાસે પણ વિડિયો છે. એ ઘટના બની ત્યારે કેટલાક પોલીસો પણ ત્યાં હાજર હતા. એ બધાનું સ્ટેટમેન્ટ લઈને આવનારા એકાદ-બે દિવસમાં કેટલાક લોકોની અટક કરવામાં આવશે. પોલીસે એમ પણ કહ્યું છે કે તેમણે આ વિશેની બધી માહિતી ભેગી કરી છે એના આધારે જે લોકો ત્યાં હતા તેમને બોલાવવામાં આવશે અને કોનો શું રોલ હતો તથા તેમને ઉશ્કેરનારો કોણ હતો એ જાણીને આવનારા ૪૮ કલાકમાં કાર્યવાહી કરવામાં આવશે.’