15 September, 2025 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીમાં કારરૅલીનું આયોજન કરવામાં આવ્યું
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને ખેડૂતનેતા ડી. બી. પાટીલનું નામ અપાય એવી માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ડી. બી. પાટીલે નવી મુંબઈ ઍરપોર્ટ પ્રોજેક્ટના અસરગ્રસ્તો અને ખેડૂતોના હક માટે મોટી લડત આપી હતી. તેથી તેમની યાદમાં નવી મુંબઈ ઍરપોર્ટનું નામ ડી. બી. પાટીલ રાખવાની માગણી સાથે રવિવારે ભિવંડીમાં કારરૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના નેતા અને ભિવંડીના સંસદસભ્ય સુરેશ મ્હાત્રેએ રૅલીનું નેતૃત્વ કર્યું હતું. આગરી-કોળી સમાજના લોકોની માગણી મુજબ રાજ્ય સરકારે નવી મુંબઈ ઍરપોર્ટનું નામ ડી. બી. પાટીલ રાખવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે હજી કોઈ નિર્ણય લીધો ન હોવાથી રૅલી કાઢીને સરકાર પર દબાણ કરવામાં આવ્યું હતું. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઍરપોર્ટના ઉદ્ઘાટનપ્રસંગે વિઘ્ન નાખવાની ચીમકી સુરેશ મ્હાત્રેએ આપી હતી.