26 January, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક
સોશ્યલ મીડિયા પર સેલિબ્રિટીના નામે છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે ચેમ્બુરમાં તિલકનગરમાં રહેતી ૪૦ વર્ષની એક મહિલા સાથે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ ઈલૉન મસ્ક હોવાનો ઢોંગ કરીને ૧૬,૩૪,૧૯૪ રૂપિયા પડાવી લેવાની ચોંકાવનારી ઘટના બની છે. ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં સોશ્યલ મિડિયા પ્લૅટફૉર્મ X એટલે કે અગાઉના ટ્વિટર પર ઈલૉન મસ્કના નામે એ મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સિગ્નલ ઍપ પર ચૅટિંગ શરૂ કરીને આરોપીએ મહિલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહિલાએ આ પ્રસ્તાવ સ્વીકારતાં આરોપીએ તેને અમેરિકાના વીઝા અપાવવાના બહાને વીઝા-એજન્ટ સાથે વાત કરાવી હતી. એ પછી નવેમ્બર ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન વીઝા-પ્રોસેસિંગ અને અન્ય ખર્ચના નામે મહિલા પાસે ઍમૅઝૉન ગિફ્ટ કાર્ડ્સ ખરીદાવીને કુલ ૧૬,૩૪,૧૯૪ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે આરોપીઓએ ટિકિટ માટે વધુ પૈસાની માગણી કરી ત્યારે મહિલાને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તેણે ઈસ્ટર્ન વિભાગ સાઇબર પોલીસ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
શું હતો ઘટનાક્રમ?
તિલકનગરમાં રહેતી અને એક પ્રાઇવેટ કંપનીમાં અકાઉન્ટન્ટની જૉબ કરતી મહિલાને સપ્ટેમ્બર ૨૦૨૫માં ટ્વિટર પર ઈલૉન મસ્કના નામે બનેલા એક અકાઉન્ટ સાથે ઓળખ થઈ હતી. ત્યાર બાદ આરોપીએ તેને ચૅટિંગ માટે સિગ્નલ ઍપ ડાઉનલોડ કરવાની લિન્ક મોકલી હતી. ચૅટિંગ દરમ્યાન આરોપીએ મહિલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો મહિલાએ સ્વીકાર કર્યો હતો.
લગ્નની વાતમાં ફસાવ્યા બાદ આરોપીએ મહિલાને અમેરિકાના વીઝા અપાવવાનું જણાવ્યું હતું અને એ માટે તેણે જેમ્સ નામના વીઝા-એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. વીઝા-પ્રોસેસિંગના નામે આરોપીઓએ મહિલા પાસેથી રોકડા પૈસાને બદલે ઍમૅઝૉન ગિફ્ટ કાર્ડ ખરીદવાનું દબાણ કર્યું હતું.
મહિલાએ ૨૦૨૫ની બીજી ઑક્ટોબરથી ૨૦૨૬ની ૭ જાન્યુઆરી દરમ્યાન પોતાના બૅન્ક-અકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને અલગ-અલગ તબક્કે કુલ ૧૬.૩૪ લાખ રૂપિયાનાં ગિફ્ટ કાર્ડ્સ ખરીદીને ઈલૉન મસ્કના નામે તૈયાર કરવામાં આવેલા ઈ-મેઇલ આઇડી પર મોકલ્યાં હતાં.
જ્યારે આરોપીઓએ ફ્લાઇટની ટિકિટ માટે વધુ બે લાખ રૂપિયા માગ્યા ત્યારે મહિલાને શંકા ગઈ હતી. એ પછી તેણે આ પરિવારને જાણ કરી ત્યારે ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે.
મહિલાએ ૧૯ જાન્યુઆરીએ સાઇબર હેલ્પલાઇન-નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સાઇબર પોલીસ-સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બૅન્ક-અકાઉન્ટ સહિત ઈલૉન મસ્કના નામે તૈયાર કરવામાં આવેલા ઈ-મેઇલ આઇડીનું ઍડ્રેસ શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે.