28 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રો લાઇન ૩ના વરલી પાસેના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં વરસાદનું પાણી ભરાઈ ગયું
દક્ષિણ મુંબઈમાં ગઈ કાલે સવારે ભારે વરસાદને લીધે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન ૩ના વરલી પાસેના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. આથી વરલીથી આચાર્ય અત્રે ચોક સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનને બંધ કરી દેવામાં આવી હતી. આથી પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સથી આચાર્ય અત્રે ચોક સ્ટેશન સુધી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોની ૯ મેએ શરૂઆત કરવામાં આવી હતી. મેટ્રો સ્ટેશનની છતમાંથી પાણી પગથિયાં અને એસ્કેલેટરમાં વહેવા લાગતાં સલામતીનાં કારણોસર આચાર્ય અત્રે ચોક સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને આ સંબંધે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહ્યું હતું કે ‘અચાનક ભારે વરસાદને લીધે ડૉ. ઍની બેસન્ટ રોડ નજીકના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં અત્યારે ચાલી રહેલા એન્ટ્રી-એક્ઝિટના બાંધકામમાંથી વરસાદના પાણીનું ગળતર થયું હતું. પાણીને રોકવા માટે બાંધવામાં આવેલી દીવાલ પર પાણીનું ભારે પ્રેશર આવવાથી તૂટી પડી હતી અને પાણી મેટ્રો સ્ટેશનમાં દાખલ થયું હતું. સાવચેતીરૂપે મેટ્રો ટ્રેનોને વરલી અને આચાર્ય અત્રે ચોક વચ્ચે બંધ કરી દેવામાં આવી હતી. જોકે આરે JVLRથી વરલી સુધી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોને વરસાદની કોઈ અસર નહોતી થઈ એટલે એ રાબેતા મુજબ ચલાવવામાં આવી હતી.’