અંતરીક્ષજી તીર્થમાં દરવાજો ખૂલ્યો, માથું ફૂટ્યું

19 March, 2023 07:50 AM IST  |  Mumbai | Rohit Parikh

છેક ૪૨ વર્ષે અંતરીક્ષજી પાર્શ્વનાથ દેરાસરના દરવાજા ખૂલ્યા ત્યાં ગઈ કાલે દિગંબર અને શ્વેતાંબર સમુદાય વચ્ચે ગરમાગરમી થઈ હતી અને અસામાજિક તત્ત્વ દ્વારા સુરત વિહાર ગ્રુપના કાર્યકર પર લોખંડના સળિયાથી હુમલા કરાયો હતો

અંતરીક્ષ તીર્થમાં બીચકેલા મામલામાં ઈજાગ્રસ્ત સુરતના મોક્ષેસ મોદી અને (જમણે) હુમલાખોર પ્રકાશ બેલોકાર.

પોલીસ નહીં, પણ સીઆરપીએફને તહેનાત કરવાની ડિમાન્ડ

સુપ્રીમ કોર્ટના ૨૨ ફેબ્રુઆરીના આદેશમાં મહારાષ્ટ્રના આકોલા પાસેના શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થની વ્યવસ્થા અને સંચાલન જૈનોના શ્વેતાંબર સમુદાયને સોંપ્યા બાદ શનિવાર, ૧૧ માર્ચથી શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે રોજ વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે અંતરીક્ષ પાર્શ્વનાથ દેરાસરનાં દ્વાર ખૂલ્યા પછી એનો સંપૂર્ણ કારોબાર શ્વેતાંબર સમુદાયને સંભાળવાની જવાબદાર સોંપી છે. એની સાથે ૪૨ વર્ષ પછી આ ભગવાન શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિની પૂજા-સેવા થઈ શકે એ માટે મૂર્તિને લેપની પ્રક્રિયા કરવાની પરવાનગી પણ શ્વેતાંબરોને આપવામાં આવી છે. જોકે દિગંબર સમુદાયને ભય છે કે શ્વેતાંબરો મૂર્તિના દેખાવમાં ફેરફાર કરી નાખશે. આથી તેઓ સતત લેપની પ્રક્રિયાનો વિરોધ કરીને લેપની પ્રક્રિયા શરૂ કરવા દેતા નથી. આ મુદ્દે ગઈ કાલે અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં બંને સમુદાયો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો અને કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા સુરતના વિહાર ગ્રુપના કાર્યકર મોક્ષેસ મોદી પર લોખંડના સળિયાથી પ્રહાર થવાથી મોક્ષેસ મોદીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આથી ગઈ કાલે શ્વેતાંબર જૈન સમુદાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહને ટ્વીટ કરીને અંતરીક્ષ તીર્થની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની માગણી કરવામાં આવી છે. 

કોર્ટના આદેશ પછીનો ઘટનાક્રમ

આખા ઘટનાક્રમની માહિતી આપતાં અંતરીક્ષ તીર્થમાં બિરાજમાન જૈનાચાર્ય ભુવનભાનુસૂરિ સમુદાયના પંન્યાસ પરમહંસવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૧૧ માર્ચથી અંતરીક્ષ તીર્થમાં શાંતિ રહે અને સમગ્ર જૈન સમાજ આ તીર્થમાં અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનની સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પૂજા-સેવા કરી શકે એવા પ્રયાસ કરવા સક્રિય બન્યા હતા. જોકે પહેલા દિવસથી જ પોલીસ પ્રશાસન આખા મામલાને તમાશો બનાવીને હાથ જોડીને બેઠું છે. અમે જેવી લેપની પ્રક્રિયા શરૂ કરી કે તરત જ દિગંબર જૈન સમાજે લેપની પ્રક્રિયા દેરાસર ખુલ્લું રાખીને અને ભગવાનનાં દર્શન થાય એવી રીતે કરવાની માગણી સાથે વિવાદની શરૂઆત કરી છે. અમે અહીંના પોલીસ પ્રશાસનને અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને કોર્ટના આદેશ પ્રમાણે લેપની પ્રક્રિયા શરૂ કરી શકીએ એ માટે સુરક્ષાની માગણી કરી છે. અમને પોલીસ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે સુરક્ષાની જરૂર પડશે ત્યારે અમે હાજર થઈ જઈશું, પરંતુ લેપની પ્રક્રિયા તમારી સિક્યૉરિટી રાખીને કરો.’

પર્સનલ સિક્યૉરિટી સામે વિરોધ

અમે ગઈ કાલે સવારે પોલીસ પર વિશ્વાસ રાખીને અમારી સિક્યૉરિટી દેરાસરમાં અને અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની આસપાસ મૂકવાની તૈયારી કરી હતી એમ જણાવીને શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાનના મૅનેજિંગ ટ્રસ્ટીએ કહ્યું હતું કે ‘આ પહેલાં અમે ગુરુવારે પોલીસ પ્રશાસનની નિષ્ક્રિયતાની વિરોધમાં અને લેપના કાર્યમાં સતત અવરોધ નાખી રહેલાં તત્ત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ પહેલાં અમે આ તત્ત્વોની સામે શિરપુર પોલીસ સ્ટેશનમાં આ તત્ત્વોના ફોટો સાથે એફઆઇઆર નોંધાવ્યો હતો. જોકે પોલીસ તરફથી આજ સુધી તેમની સામે કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં અમે બેથી ત્રણ વાર સંસ્થા તરફથી એફઆઇઆર નોંધાવી ચૂક્યા છીએ. આમ છતાં અહીંની પોલીસ દેરાસરના વ્યવસ્થાપકોને કે ભગવાનને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. ગઈ કાલે ગુરુવારની રૅલી બાદ પ્રશાસને શ્વેતાંબર જૈન સમુદાયને સુરક્ષા માટે આશ્વાસન આપતાં શુક્રવારે અમે ભગવાન અંતરીક્ષજી પાર્શ્વનાથની મૂર્તિની પૂજા-સેવા ભાવિકો કરી શકે એ માટે એક અઠવાડિયાથી અટકી ગયેલી લેપની પ્રક્રિયા પહેલાંની વિધિ શરૂ કરી હતી.’

વાતાવરણ બન્યું તોફાની

અમને હતું કે પોલીસ પ્રશાસન શ્વેતાંબર સમુદાયની સાથે રહીને સુરક્ષા પ્રદાન કરશે, પરંતુ ગઈ કાલે સવારે જેવી અમે અમારી પર્સનલ સિક્યૉરિટી દેરાસરમાં મૂકવાની શરૂઆત કરી કે તરત જ સ્થાનિક રહેવાસીઓએ આવીને એનો વિરોધ શરૂ કર્યો હતો એમ જણાવીને પંન્યાસ પરમહંસવિજયજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘અમે દેરાસરમાં અમારી સિક્યૉરિટી મૂકીને ભગવાનના લેપની પ્રક્રિયા શરૂ કરવા ઇચ્છતા હતા. દિગંબર સમુદાયની માગણી હતી કે કોર્ટના આદેશમાં કશેય લેપની પ્રક્રિયા દરમિયાન દેરાસરના દરવાજા બંધ રાખવાનો કે ભગવાનનાં દર્શન બંધ રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે શ્વેતાંબરો ભગવાનની મૂર્તિ પર લેપની પ્રક્રિયા દરમિયાન દર્શન કે દેરાસરના દરવાજા બંધ કરશે નહીં. એટલું જ નહીં, આ પ્રક્રિયા દરમિયાન શ્વેતાંબરો ૪૨ વર્ષ પહેલાં ભગવાનની મૂર્તિ જેવી હતી એવી જ રહેવા દેશે. જૈનોના આ બે સમુદાયમાં શ્વેતાંબર સમુદાય ભગવાનની મૂર્તિ પર કંદોરો (આંગી) કરે છે અને ચક્ષુ લગાડે છે, જ્યારે દિગંબરો પ્રમાણે આંગી કરવી અને ચક્ષુ લગાડવામાં આવતાં નથી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે એના આદેશમાં મૂર્તિના કૅરૅક્ટરમાં એટલે કે એના દેખાવમાં કોઈ ફરક કરવાની  પરવાનગી આપવામાં આવી નથી એટલે અમે એને માન્ય રાખીને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યા વગર જ સિક્યૉરિટી રાખીને ગઈ કાલથી લેપની પ્રક્રિયા શરૂ કરવાના હતા, જેથી એક વાર જીર્ણ થયેલા પ્રભુની પ્રતિમા લેપ દ્વારા સુરિક્ષત બની જાય પછી બધાને એટલે કે દિગંબર અને શ્વેતાંબર સમુદાયને તેમની પરંપરા અનુસાર પૂજા કરવા મળવાની જ હતી. જોકે રહેવાસીઓએ અમારી સિક્યૉરિટી સામે વિરોધ કરીને એને દેરાસરમાંથી બહાર કાઢી હતી તેમ જ દેરાસરની બહાર તોફાની વાતાવરણ પેદા કર્યું હતું.’

આ તોફાની વાતાવરણ ગઈ કાલે બપોરના ૩.૩૦ વાગ્યાની આસપાસ હિંસક બની ગયું હતું એમ જણાવીને આખા બનાવને નજરે જોનાર એક જૈન શ્રાવકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પોલીસ પ્રશાસન અમારી મદદે આવે એની મહેનત કરી રહ્યા હતા. એ જ સમયે અંતરીક્ષજીના એક દિગંબર સ્થાનિક રહેવાસીએ આવીને સુરતના વિહાર ગ્રુપના સક્રિય કાર્યકર મોક્ષેસ મોદીના માથા પર લોખંડના સળિયાથી પ્રહાર કર્યો હતો. એને કારણે મોક્ષેસ મોદી લોહીલુહાણ થઈ ગયા હતા. આ બનાવથી જય જય પાર્શ્વનાથના નારા સાથે અન્ય શ્વેતાંબર યુવાનો પણ દેરાસર પાસે જમા થઈ ગયા હતા. એ સમયે પોલીસે આખા વાતાવરણને ડહોળનાર લોકોની સામે ઍક્શન લેવાને બદલે શ્વેતાંબર યુવાનો પણ લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. લોહીલુહાણ થયેલા મોક્ષેસ મોદીને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.’

કોર્ટનો આદેશ, પણ પ્રશાસન શાંત

અમને તો નવાઈ લાગે છે કે અમારી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સુધી મંગળવારે વિવાદ શરૂ થયો એ દિવસથી પોલીસ-સુરક્ષાની માગણી હોવા છતાં શિરપુર પોલીસ શ્વેતાંબર સમુદાયને સતત કેમ ટાર્ગેટ બનાવી રહી છે એવું આશ્ચર્ય વ્યક્ત કરતાં સમગ્ર જૈન સંઘ સંગઠનના સક્રિય કાર્યકર અતુલ વ્રજલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી માગણી તો ફક્ત એટલી જ છે કે શ્વેતાંબર સમુદાયને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પોલીસ-સુરક્ષાની વચ્ચે અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને લેપ શરૂ કરવા દેવામાં આવે. અમારી લેપની પ્રક્રિયા પછી બધા જ જૈન સમુદાય તેમની પરંપરા પ્રમાણે ભગવાનની પૂજા-સેવા કરી શકશે. આ માટે સરકારની મધ્યસ્થી આવશ્યક છે. જોકે ગઈ કાલે આવી પરિસ્થિતિમાં પણ પોલીસ-સુરક્ષા પૂરતી આપવામાં આવી નહોતી.’

સુરક્ષા માટે મોકલો સીઆરપીએફ

દિગંબરો જે લેપની પ્રક્રિયામાં ભય દર્શાવી રહ્યા છે એ બાબતમાં સ્પષ્ટતા કરતાં અતુલ શાહે કહ્યું હતું કે ‘દેરાસરમાંથી સરકારી તાળાં દૂર કરવામાં આવ્યા ત્યારથી જ અમારો સમુદાય દરેક ક્રિયાના ફોટો પોલીસ પ્રશાસન અને ત્યાંના કલેકટર સામે રજૂ કરે છે. લેપની શરૂઆત કરતાં પહેલાં અમે ૪૨ વર્ષ પહેલાં મૂર્તિનો દેખાવ કેવો હતો એના ફોટો પણ રજૂ કર્યા છે. અમે પોલીસ પ્રશાસન અને જિલ્લા અધિકારીઓને લેખિતમાં આપ્યું છે કે આ ફોટો પ્રમાણે જ લેપ પછી અંતરીક્ષજી પાર્શ્વનાથની મૂર્તિનો દેખાવ રહેશે. અમે કોર્ટના આદેશનું સંપૂર્ણ પાલન કરીશું. આમ છતાં લેપની પ્રક્રિયા શરૂ થાય એ માટે ત્યાંનું પ્રશાસન સપોર્ટ આપવા કેમ તૈયાર નથી એ વાત અમારી ધાર્મિક ભાવનાને દુભાવી રહી છે. સરકારી પ્રશાસન કેમ સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરી રહ્યું છે એ પણ અમારા સમુદાય અને સાધુભગવંતો માટે દુખનો વિષય છે. દિગંબર સમુદાય અહીંના પ્રશાસનને ગુમરાહ કરી રહ્યો છે. આ દરમિયાન સુરતના વિહાર ગ્રુપ તરફથી વડા પ્રધાન અને ગૃહપ્રધાન પાસે સીઆરપીએફને અંતરીક્ષજીની સુરક્ષા સોંપવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.’

દિગંબર જૈન સમુદાય શું કહે છે?

ગઈ કાલના આખા મામલાની સ્પષ્ટતા કરવા માટે દિગંબર જૈન સમુદાયના અગ્રણીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમના ફોન આઉટ ઑફ કવરેજ એરિયા આવતા હોવાથી વાત થઈ શકી નહોતી.

mumbai mumbai news rohit parikh maharashtra