19 February, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોર્ટના આદેશથી કલ્યાણ-ડોમ્બિવલીની ૫૧ ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવશે
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)ની હદમાં બાંધવામાં આવેલી ૫૧ ઇમારતોમાં રહેનારાઓએ તેમનાં બિલ્ડિંગોને બચાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની કોર્ટે સુનાવણી કરવાની ના પાડી દેવાની સાથે ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આથી હવે આ ૫૧ ગેરકાયદે બિલ્ડિંગોનું પણ નાલાસોપારાની ૪૧ ઇમારતોની
જેમ તોડકામ હાથ ધરવામાં આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે. આથી આ સોસાયટીઓમાં રહેતા ૯૦૦૦ જેટલા લોકો બેઘર બની જવાની શક્યતા ઊભી થઈ છે.
KDMCએ ૫૭ ઇમારત ગેરકાયદે જાહેર કરી હતી. એમાંથી ૬ બિલ્ડિંગોને તોડી પાડવામાં આવ્યાં છે એટલે હાઈ કોર્ટના આદેશ બાદ હવે બાકીનાં ૫૧ બિલ્ડિંગો સામે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. KDMC અને બૉમ્બે હાઈ કોર્ટમાં રાહત ન મળતાં ગેરકાયદે ઇમારતોમાં રહેનારાઓ હવે રાજ્ય સરકારને આ મામલામાં મધ્યસ્થી કરવા માટે અપીલ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમને કૌભાંડની જાણ નહોતી. તેમણે બાંધકામની મંજૂરી, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (RERA)નું સર્ટિફિકેટ અને નૅશનલાઇઝ્ડ બૅન્કોએ હાઉસિંગ લોન મંજૂર કરી હોવાનું જોઈને ફ્લૅટ ખરીદ્યા હતા. કેટલાક રહેવાસીઓએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લૅટ મેળવ્યા છે. KDMCએ બાદમાં આ ઇમારતો ગેરકાયદે જાહેર કરી છે.
૨૦૨૨માં કલ્યાણના એક આર્કિટેક્ટના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક બિલ્ડરો બોગસ RERA સર્ટિફિકેટનો ઉપયોગ કરીને ફ્લૅટનું વેચાણ કરી રહ્યા છે. આર્કિટેક્ટે KDMCમાં આ સંબંધે ફરિયાદ કર્યા બાદ હાથ ધરવામાં આવેલી તપાસમાં આ ગેરકાયદે ઇમારતોનો મામલો સામે આવ્યો હતો.
રહેવાસીઓને ફ્લૅટ ખાલી કરવાની સાથે પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની નોટિસ પણ મોકલવામાં આવી
કલ્યાણ-ડોમ્બિવલીમાં આવેલી ગેરકાયદે ઇમારતોને તોડી પાડવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો હોવાથી કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)એ રહેવાસીઓને ફ્લૅટ ખાલી કરવાની સાથે પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની નોટિસ મોકલી હોવાથી બધા ચોંકી ઊઠ્યા છે. એક તરફ બિલ્ડિંગ ગેરકાયદે હોવાનું કહીને ખાલી કરાવવામાં આવી રહી છે તો એની સામે ટૅક્સ ભરવાની નોટિસ પણ આપવામાં આવી છે. ડોમ્બિવલીના ગાવદેવી હાઇટ્સ નામના બિલ્ડિંગમાં રહેતા નામદેવ સકપાળ દિવસે પ્લમ્બર તરીકે અને રાતે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. બૅન્કમાંથી લોન લઈને નામદેવે ફ્લૅટ ખરીદ્યો છે, જેના તે હપ્તા ભરી રહ્યો છે. તેને KDMCએ ફ્લૅટ ખાલી કરવાની સાથે પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની નોટિસ મોકલી છે. આથી KDMCનો અજબ કારભાર સામે આવ્યો છે.