આવતી કાલથી ૧૫ ઑગસ્ટ સુધી મહારાષ્ટ્રમાં હર ઘર તિરંગા અભિયાન

08 August, 2024 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યની કૅબિનેટમાં ઝાડ કાપનારાને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો

મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટની બેઠકમાં ગઈ કાલે મહત્ત્વના ૧૩ નિર્ણય લેવામાં આવ્યા હતા.

ભારતનો સ્વતંત્રતા-દિવસ નજીક છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે કૅબિનેટની બેઠકમાં આવતી કાલથી ૧૫ ઑગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. એમાં રાજ્યનાં અઢી કરોડ ઘર અને ઑફિસો પર ઝંડો ફરકાવવામાં આવશે. કૅબિનેટની બેઠકમાં ઝાડ કાપનારાઓ સામે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મંજૂરી વિના કોઈ ઝાડ કાપશે તો ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ બાબતનાં નોટિફિકેશન વનવિભાગ ટૂંક સમયમાં જાહેર કરશે. અત્યારે માત્ર ૧૦૦૦ રૂપિયાનો દંડ છે એટલે કોઈ પર્યાવરણને બચાવવા માટે ગંભીરતાથી વિચારતું નથી એટલે દંડની રકમમાં પચાસગણો વધારો કરવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય સરકારની કૅબિનેટની બેઠકમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને ફ્લૅટ ઉપલબ્ધ કરાવવાને પણ માન્યતા આપવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, સ્લમ રીડેવલપમેન્ટ ઑથોરિટી અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીને આગામી ૧૫ વર્ષમાં પ્રોજેક્ટના અસરગ્રસ્તો માટે પૂરતા પ્રમાણમાં મકાન બાંધવા માટે સવિસ્તર યોજના બનાવવાનું કહેવામાં આવ્યું છે.

mumbai news mumbai independence day eknath shinde maharashtra news political news