22 October, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વરલી વિસ્તારમાં સોશ્યલ મીડિયા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીના દુરુપયોગથી એક ગુજરાતી યુવતીનું જીવન છિન્નભિન્ન થઈ જવાની આંચકાજનક ઘટના સામે આવી છે. વરલીની BDD ચાલ નજીક રહેતી ૩૧ વર્ષની ગુજરાતી યુવતી સાથે સોશ્યલ મીડિયા પર મિત્રતા કરીને, લગ્ન માટે દબાણ કરીને, AI ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા તેના ફેક ફોટો વાઇરલ કરીને તેના મંગેતરને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં વરલી પોલીસે રોહિત ચૌહાણ સામે ફરિયાદ નોંધી છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ લગ્ન માટે દબાણ કરતાં, જાનથી મારી નાખવાની ધમકી આપતાં અને AI દ્વારા બનાવેલો ફોટો વાઇરલ કરતાં યુવતીનાં લગ્ન સંકટમાં મુકાયાં હોવાની માહિતી પોલીસે આપી છે.
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરી મહિનાના અંતમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રોહિત ચૌહાણે ફૉલો-રિક્વેસ્ટ મોકલી હતી. યુવતીએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બન્ને વચ્ચે મેસેજ પર વાતચીત શરૂ થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં જ રોહિતે પસંદગી વ્યક્ત કરીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ પોતાનાં લગ્ન અન્ય જગ્યાએ નક્કી થઈ ગયાં હોવાનું સ્પષ્ટ કહીને તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લૉક કરી દીધો હતો. એમ છતાં આરોપીએ વૉટ્સઍપ પર કૉલ અને મેસેજ કરીને ‘જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું ઝેર પીને આત્મહત્યા કરી લઈશ’ જેવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. યુવતી તેની ધમકીઓ સામે ન ઝૂકતાં આ સરફિરા આશિકે પોતાની તમામ હદો વટાવી દીધી હતી. ૯ ઑગસ્ટે યુવતીના મંગેતરને ફોન કરીને ‘મારે અને યુવતીને પ્રેમસંબંધ છે અને અમારાં લગ્ન થઈ ગયાં છે’ એવું જૂઠું બોલીને યુવતીથી દૂર રહેવાની અને ન માનવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે બે ફેક અકાઉન્ટ્સ બનાવીને તેનાં સગાં-સંબંધીને રિક્વેસ્ટ મોકલી હતી અને યુવતી તેમ જ તેના પરિવારના ફોટો AI ટેક્નૉલૉજીની મદદથી એડિટ કરી, પોતે તેનો પતિ હોય એવું દર્શાવીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા. આ ગંભીર બદનામી અને ધમકીઓને કારણે આખરે યુવતીનાં નક્કી થયેલાં લગ્ન સંકટમાં મુકાતાં તેણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’