મદદ પડી માથે

22 November, 2022 12:08 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

વસઈમાં દુકાન ચલાવતા ગુજરાતી સિનિયર સિટિઝન સાથે થઈ ૬૬,૦૦૦ રૂપિયાની છેતરપિંડી: આ પૈસા તેમણે મોતિયાના ઑપરેશન માટે રાખ્યા હતા

સુરેશ પારેખ અને તેમની પત્ની ગીતા પારેખ

વસઈ-વેસ્ટના દિવાનમાન વિસ્તારમાં અશ્વિન નગરમાં રહેતાં અને યુનિક પાર્કમાં મસાલા તથા ડ્રાય ફ્રુટ્સની દુકાન ધરાવતાં ગુજરાતી સિનિયર સિટિઝન ૭૦ વર્ષના સુરેશ પારેખ અને તેમની પત્ની ગીતા પારેખ બીજાને મદદ કરવા ગયા અને પોતે જ છેતરપિંડીનો શિકાર બની ગયા છે. કોરોનાકાળ બાદ માંડ હિંમત કરીને ભાડાની દુકાનમાં ધંધો શરૂ કર્યો અને જેમ-તેમ કરીને પત્નીના મોતિયાના ઓપરેશન માટે પૈસા જમા કરીને રાખ્યા હતા. પરંતુ, કોઈને મદદ મળે એટલે એ પૈસા આપ્યા ને ગાઠિયો તેમને મુર્ખ બનાવીને પૈસા લઈને જતો રહ્યો હોવાથી ઓપરેશન પણ કેન્સલ કરાવું પડ્યું છે. પારેખ દંપતિએ માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને વિસ્તારના એક સીસીટીવી કૅમેરામાં આરોપી કેદ પણ થયો છે.

અમે તો મદદ કરવા ગયા હતા એમ કહેતાં સુરેશ પારેખે મિડ-ડેને કહ્યું હતું કે ‘અમને કોઈ બાળકો નથી અને અમે જ એકબીજાને સંભાળીએ છીએ. કોરોના પહેલાં ઘરેથી મસાલા, ડ્રાયફ્રુટ વેંચીને ઘર ચલાવતાં હતા. પરંતુ કોરોના બાદ ​ઘરની પાસે જ દુકાન ભાડા પર લઈને વ્યવસાય કરવાની હિંમત કરી હતી. અમારું ઘર પણ ભાડા પર છે. શનિવારે સાંજે સાતથી આઠ વાગ્યાની વચ્ચે હું દુકાને હતો ત્યારે મારા મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો અને મહિલાનો અવાજ કાઢીને એક અજ્ઞાત વ્યક્તિ ફોન કરીને હું ડૉક્ટર નેહા બોલી રહી છું એવું કહ્યું હતું. તેમણે કહ્યું કે મારા ઘરે ડિલવરી થઈ હોવાથી અને ઘરમાં સત્યનારાયણની કાલે પૂજા હોવાથી બ્રાહ્મણને આપવા માટે ડ્રાયફ્રુટ્સ જોઈતાં છે તો તમે માણસ મોકલાવું એને આપી દેજો. એમ કહેતાં મેં તેમના કહેવા પ્રમાણે ચાર હજાર રૂપિયાનો માલ ભર્યો હતો. ત્યાર બાદ ફરી ફોન આવ્યો કે દવાખાને પેશન્ટ આવ્યા હોવાથી મને જવું પડશે. દવાખાને પેશન્ટને આપવા છુટા પૈસા નથી અને મારી પાસે બે હજાર રૂપિયાના બે લાખ રૂપિયા પડ્યા છે. એટલે તમારી પાસે છુટા હોય તો મને આપજો મારે હૉસ્પિટલમાં આપવા છે અર્જન્ટમાં. એ સાંભળી મેં પત્નીને ઘરે ૬૬ હજાર રૂપિયા રાખ્યા હતા એ લાવવા મોકલી હતી. એ બાદ ફરી ફોન આવ્યો કે મારી ડેરીવાળાની ત્યાં ક્લિનીક છે ત્યાં કોઈને મોકલો.’

ડૉક્ટર મહિલા હોવાથી મેં મારી પત્નીને ડાયફ્રુટ અને છુટા ૬૬ હજાર રૂપિયા લઈને મોકલી હતી એમ કહેતાં સુરેશભાઈએ કહ્યું કે ‘મારી પત્ની સામાન અને પૈસા લઈને ગઈ હતી. તેણે જે જગ્યા કહેલી ત્યાં ગઈ ત્યારે સામે બાજુએ કૅપ પહેરીને ઊભેલા માણસે હાથ દાખવ્યો અને ગીતાબહેન નામની બૂમો પાડી રહ્યો હતો. એ સાંભળીને મારી પત્ની તેની પાસે ગઈ હતી. તેણે બા કેમ છો, એવું કહીને પગે પણ લાગ્યો હતો. એ બાદ બાનો હાથ પકડીને યુનિક પાર્કમાં એ-વિંગમાં આવેલી બિલ્ડિંગમાં લઈ ગયો હતો. તે મારી સાથે પહેલાં માળ સુધી આવ્યો ત્યાર બાદ કહ્યું કે મને હૉસ્પિટલમાં બોલાવે છે મારે પૈસા લઈને અર્જન્ટ જવું પડશે. તમે ત્રીજા માળે જઈને પૈસા લઈ લેજો. આમ કહીને મારી પત્ની પાસેથી પૈસા લઈને તે નીકળી ગયો હતો.’

સુરેશભાઈના પત્ની ગીતા પારેખે જણાવ્યું કે ‘એ ભાઈ ગુજરાતીમાં બોલી રહ્યો હતો અને મારો હાથ પકડીને લઈ ગયો અને મેં તેના પર વિશ્વાસ રાખ્યો હતો. હું સીડી ચડીને ત્રીજા માળે ગઈ ત્યારે તેણે કહેલા ઘરનો દરવાજો તો લૉક હતો. આસપાસ પૂછતાં તેમણે કહ્યું કે અહીં આ નામનું કોઈ રહેતું નથી. હું તો ખૂબ ગભરાય ગઈ અને મને મુર્ખ બનાવી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. એ જ્યાં મળવાનો હતો ત્યાંના સીસીટીવી જોયાં તો તેણે એક દુકાનમાંથી બે વખત ઠડું પણ પીધું હતું અને ત્યાં લાંબા સમયથી ઊભો હતો. આ ગઠિયો જલદીમાં પકડાવો જ જોઈએ કારણ કે જમા કરાયેલાં પૈસા જતાં રહેતાં મારા મોતિયાનું ઓપરેશન મારે કેન્સલ કરાવું પડ્યું છે.’

પોલીસનું શું કહેવું છે?
માણિકપુર પોલીસ સ્ટેશના પોલીસ અધિકારી ચંદ્રા પાટીલે મિડ-ડેને જણાવ્યું હતું કે આ વિશે ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે તેમ જ સીસીટીવી કૅમેરા પર ચેક કરવામાં આવી રહ્યા છે. 

mumbai mumbai news vasai Crime News mumbai crime news preeti khuman-thakur