21 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (ITC)માં ૧૦ કરોડ રૂપિયાનો ગોટાળો કરનાર વિક્રોલીના બિઝનેસમૅનની રાજ્યના ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મેસર્સ સંતોષ એન્ટરપ્રાઇઝિસના ઑથોરાઇઝ્ડ સિગ્નેટરી તરીકે વિઠ્ઠલ લોંઢે નામના બિઝનેસમૅને કોઈ પણ જાતના માલના સપ્લાય વગર એનાં ખોટાં બિલ રજૂ કર્યાં હતાં. મીરા રોડમાં શાંતિ શૉપિંગ સેન્ટરમાં તેની ફર્મ રજિસ્ટર્ડ છે. સિમેન્ટ, સ્ટીલ ઍન્ગલ્સ અને લોખંડ તથા સ્ટીલની અમુક પ્રોડક્ટ્સનું વેચાણ કરતો હોવાનો તેણે દાવો કર્યો હતો. ટૅક્સ વિભાગના અધિકારીઓએ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે કંપનીના રજિસ્ટર્ડ ઍડ્રેસ પર કોઈ વ્યાપારી પ્રવૃત્તિ થતી નહોતી અને ત્યાં આ નામની કોઈ કંપની જ નહોતી. મહારાષ્ટ્રના GST વિભાગે જણાવ્યું હતું કે ‘ડિસેમ્બર ૨૦૨૪થી મે ૨૦૨૫ સુધીમાં મેસર્સ સંતોષ એન્ટરપ્રાઇઝિસ દ્વારા કોઈ બિલ જનરેટ થયા વગર જ કુલ ૧૦.૩ કરોડ રૂપિયાની આઉટવર્ડ ટૅક્સ લાયબિલિટી જાહેર કરવામાં આવી હતી. જોકે એ છતાં નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં કોઈ ઈ-વે બિલ જનરેટ નહોતાં કરવામાં આવ્યાં.