ક્રાઇમ સીન રીક્રીએટ કરવાના ન્યુઝથી પાર્વતી મૅન્શનમાં ફફડાટ

28 March, 2023 09:44 AM IST  |  Mumbai | Rohit Parikh

આ રહેવાસીઓ શુક્રવારે સાંજે ચેતન ગાલાની ધરપકડ થયા પછી પણ હત્યાકાંડને ભૂલી શક્યા નથી

પાર્વતી મૅન્શનમાં જ્યાં આ ઘટના બની તે સ્થળ

સાઉથ મુંબઈના ગ્રાંટ રોડમાં આવેલા પાર્વતી મૅન્શનમાં શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે પારિવારિક ઝઘડાને કારણે ક્રોધાવેશમાં આવી જઈને પાંચ જણ પર ૧૨ ઇંચ લાંબા છરા વડે હુમલો કરીને ત્રણ જણનાં મૃત્યુ નીપજાવનાર ૫૪ વર્ષના ચેતન ગાલાને ક્રાઇમ સીનના રીક્રીએશન માટે ગઈ કાલે સાંજે ચાર વાગ્યે પાર્વતી મૅન્શનમાં પાછો લઈ અવાશે એ સમાચાર ગઈ કાલે વહેલી સવારે પાર્વતી મૅન્શનના રહેવાસીઓને મળતાં તેઓ ફફડી ઊઠ્યા હતા. જોકે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશને ત્યાર પછી સ્પષ્ટતા કરી હતી કે અમારો આવો કોઈ પ્લાન નથી. ગઈ કાલ સાંજ સુધી આ સમાચારથી રહેવાસીઓ અજાણ હતા.

આ રહેવાસીઓ શુક્રવારે સાંજે ચેતન ગાલાની ધરપકડ થયા પછી પણ હત્યાકાંડને ભૂલી શક્યા નથી. આખા પારિવારિક મામલામાં ચેતન ગાલાએ બે સિનિયર સિટિઝન, મા-દીકરી અને ઘરકામ કરનાર પર શા માટે હુમલો કરીને ત્રણ જણને પરધામ પહોંચાડી દીધા એના આઘાતમાંથી તેઓ હજી બહાર આવ્યા નથી ત્યાં આ ક્રૂર હત્યા કરનાર ચેતન ગાલાને પોલીસ પાછો મકાનમાં લઈ આવશે એ જાણ્યા પછી અનેક રહેવાસીઓ ગઈ કાલ સવારથી ઘરની‌ બહાર જતા રહ્યા હતા, તો કોઈ તેમના અન્ય કામમાં લાગી ગયા હતા. હવે કોઈ રહેવાસી તેનો ચહેરો જોવા તૈયાર નથી.  
આ બાબતે પાર્વતી મૅન્શનના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આમ તો હું પણ સવારથી મારા કામસર બહાર નીકળી ગયો છું, પણ અમારા બિલ્ડિંગમાં ફફડાટનો માહોલ છે એમાં કોઈ શંકા નથી. ચેતન અમારા બિલ્ડિંગમાં ૧૫ વર્ષથી રહેતો હતો, પણ એ કોઈની સાથે ક્યારેય વાત નહોતો કરતો. તે હંમેશાં પોતાની ધૂનકીમાં જ રહેતો હતો. તેના પારિવારિક ઝઘડાને કારણે અમે પણ તેની નજીક જતા નહોતા. જોકે બિલ્ડિંગના અમુક રહેવાસીઓ ચેતનની પત્ની અરુણાબહેન અને તેની દીકરી સાથે સારો ઘરોબો રાખતા હતા. આ પરિવાર પણ મકાન છોડીને ગયા પછી તો તેઓ જમાડવા આવે ત્યારે જ અમે તેમને જોતા હતા, પરંતુ ચેતનની અવરજવર પર કોઈ ધ્યાન આપતું નહોતું. ગઈ કાલે તે પાછો ફરે ત્યારે તેને ફેસ ન કરવો પડે એ માટે બિલ્ડિંગના અનેક લોકો બહાર ચાલ્યા ગયા હતા અને મોડેથી ઘરે આવવાના હતા. પોલીસનો આ નિર્ણય કોઈને ગમ્યો નહોતો.’

શુક્રવારની ઘટના પછી તો પાર્વતી મૅન્શનની ૧૦૦ રૂમમાંથી એકેય રૂમના પરિવારને ચેતન પર હમદર્દી નહોતી રહી એમ જણાવતાં એક યુવાન રહેવાસીએ કહ્યું કે ‘અમારા વડીલ સમાં મિસ્ત્રી દંપતી અને અમારી સૌની લાડકી જેનિલ બ્રહ્મભટ્ટની કરપીણ હત્યા પછી તો સૌના મનમાં ચેતન પ્રત્યે ભરપૂર રોષ છે. એમાં પોલીસ તેને ફરીથી અમારા મકાનમાં સીન રીક્રીએટ કરવા લાવે એ અમને મંજૂર નહોતું, પણ અમારા વડીલો કહે છે કે પોલીસને પોલીસનું કામ કરવા દો. જોકે અમને સૌને એક જ ડર છે કે આ માણસ કત્લેઆમ કર્યા પછી અને જેલમાં ગયા પછી બીજા અનેક લોકોનો દુશ્મન બની ગયો હશે. ફરીથી મકાનમાં આવીને તે સીન રીક્રીએટ કરવા જતાં કોઈ બીજાની પણ હત્યા કરી શકે છે એથી કોઈ પણ સંજોગોમાં તેને પોલીસ અમારા મકાનમાં લાવે એ અમને મંજૂર નહોતું.’

પોલીસે શું નિર્ણય લીધો?
જાણે પાર્વતી મૅન્શનના રહેવાસીઓની મનની વાત અને તેમની પ્રતિક્રિયા પોલીસ સુધી પહોંચી ગઈ હોય એમ ડી. બી. માર્ગ પોલીસે જાહેર કર્યું કે ટ્રિપલ મર્ડર કેસના આરોપી ચેતન ગાલાને પાર્વતી મૅન્શનમાં પાછો ક્રાઇમ સીન રીક્રીએટ કરવા માટે લાવવાના નથી. આ માહિતી આપતાં ઝોન-ટૂના ડેપ્યુટી પોલીસ કમિશનર અભિનવ દેશમુખે કહ્યું કે ‘ચેતન ગાલાને ક્રાઇમ સીન રીક્રીએટ કરવા માટે પાર્વતી મૅન્શનમાં લઈ જવામાં બહુ મોટું જોખમ છે. અમને લાગે છે કે આમ કરવા જતાં ચેતન ગાલા બીજા માળેથી કૂદીને આત્મહત્યા પણ કરી શકે છે. એમ ન કરે તો કદાચ તે તેના અન્ય પાડોશી કે રહેવાસીઓ પર પણ હુમલો કરી શકે છે એથી તેને પાર્વતી મૅન્શનમાં લઈ જવાની અમારી કોઈ યોજના નથી. ક્રાઇમ સીન રીક્રીએટ કરવા માટે અમારે તેને એકલાને પાર્વતી મૅન્શનમાં મોકલવો પડે. એમ કરવા જતાં રહેવાસીઓ વધુ આઘાતમાં આવી પડશે. ચેતન ગાલા હજી પણ પરિવારને તેનાથી દૂર કરવા માટે પાડોશીઓને જ જવાબદાર ગણે છે. આમાંથી તે હજી બહાર આવ્યો નથી એટલે તેને પાછો લઈ જવામાં જોખમ છે.’

mumbai mumbai news mumbai crime news Crime News grant road rohit parikh