21 February, 2025 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અલાહાબાદિયા, સમય રૈના
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ કરેલી અશ્લીલ ટિપ્પણીને લીધે આખા દેશમાં એનો વિરોધ થયા બાદ હવે કેન્દ્ર સરકારની ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડ્કાસ્ટિંગ મિનિસ્ટ્રીએ પણ ગઈ કાલે સોશ્યલ મીડિયા અને ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર આવતી વલ્ગર, અભદ્ર અને અશ્લીલ કન્ટેન્ટને લઈને એક ઍડ્વાઇઝરી બહાર પાડી છે.
લોકપ્રતિનિધિઓએ આ સંબંધે સંસદમાં ઉઠાવેલા પ્રશ્ન તથા સામાજિક સંસ્થા અને લોકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઍડ્વાઇઝરીમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા) રૂલ્સ ૨૦૨૧ના કોડ ઑફ એથિક્સ ફૉર OTT પ્લૅટફૉર્મ્સનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે આ કાયદામાં જે કન્ટેન્ટ પર પ્રતિબંધ છે એ ન બતાવવી, ઉંમર મુજબ કન્ટેન્ટનું ક્લાસિફિકેશન કરવું અને ‘એ’ રેટેડ કન્ટેન્ટ બાળકો ન જુએ એ માટેના ઍક્સેસ કન્ટ્રોલ મેકૅનિઝમને અમલમાં મૂકવું.
ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડ્કાસ્ટિંગ મિનિસ્ટ્રીએ ઑનલાઇન ક્યુરેટેડ કન્ટેન્ટ (OTT પ્લૅટફૉર્મ) અને સોશ્યલ મીડિયાના પબ્લિશર્સને આ કાયદાની જોગવાઈઓ અને આચારસંહિતાનું કડક પાલન કરવાની સલાહ આપી છે.