10 September, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરેગામ પોલીસે જેની ધરપકડ કરી છે તે ચેતના દોશી.
ગોરેગામ-વેસ્ટમાં ગ્રામપંચાયત રોડ પર આવેલા મયૂર જ્વેલર્સમાં ૩૦ ઑગસ્ટે ૯૧૬ હૉલમાર્કવાળી ખોટી ચેઇન ગિરવી મૂકીને ૬૪ વર્ષના ભગવતીલાલ સોની પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવી જનારી ૪૬ વર્ષની ચેતના દોશી નામની મહિલાની ગોરેગામ પોલીસે સોમવાર સાંજે ધરપકડ કરી હતી. ગિરવી મૂકેલી ચેઇન ખોટી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ મહિલાને રંગેહાથ પકડવા ભગવતીલાલે મહિલાની માહિતી ભેગી કરી હતી. એ દરમ્યાન મહિલાએ ફરી વાર બ્રેસલેટ ગિરવી મૂકવા માટે ભગવતીલાલનો સંપર્ક કરતાં મહિલા-સ્ટાફની મદદથી છટકું ગોઠવીને સોમવાર સાંજે ચેતનાને પકડી પાડી હતી. ત્યાર બાદ તેને ગોરેગામ પોલીસને સોંપી દેવામાં આવી હતી. ચેતનાએ વેસ્ટર્ન સબર્બ્સના બીજા જ્વેલર્સ સાથે પણ આ રીતે છેતરપિંડી કરી હોવાની શંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભગવતીલાલ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દુકાનમાંથી એકથી બે વાર ખરીદી કરી જનાર ચેતનાએ મારા ફોનનંબર લીધા હતા. ૩૦ ઑગસ્ટે તેણે મને ફોન કરીને પૈસાની તાત્કાલિક જરૂર હોવાનું કહીને ચેઇન ગિરવી રાખવા મદદ માગી હતી. એ સમયે મેં તેને દુકાન પર આવીને ચેઇન દેખાડવાનું કહ્યું હતું. ૩૦ ઑગસ્ટે બપોરે ચેતનાએ મારી દુકાને આવીને ૨૩ ગ્રામની એક ચેઇન દુકાનમાં કામ કરતા નોકરના હાથમાં આપી હતી. ચેઇન પર ૯૧૬ હૉલમાર્ક તેમ જ કડી પાસેથી ચેઇન તપાસતાં એ સોનાની હોવાની ખાતરી થતાં મેં તેને દોઢ લાખ રૂપિયાની રોકડ આપી હતી. દરમ્યાન બીજા દિવસે ગિરવી મૂકેલી ચેઇન પર શંકા જતાં ફરી વાર એ તપાસવામાં આવતાં એ ખોટી હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ ઘટનાની જાણ મેં મારા જ્વેલર્સ ભાઈને કરી હતી તેમ જ પોલીસને પણ માહિતી આપી હતી અને મહિલાને પકડવા માટેના તમામ જરૂરી પ્રયાસો કર્યા હતા. દરમ્યાન ચેતનાએ ફરી વાર સોમવારે મને ફોન કરીને બ્રેસલેટ ગિરવી રાખવા સંપર્ક કર્યો હતો. એ સમયે મેં જાણે કંઈ થયું જ નથી એમ સામાન્ય રીતે વાત કરી હતી અને તેને બ્રેસલેટ દુકાને લઈ આવવા માટે તૈયાર કરી હતી. પૈસાની લાલચમાં ચેતના સોમવારે ચાર વાગ્યે મારી દુકાને આવવાની માહિતી મળતાં મેં દુકાનની બહાર અને અંદર મારા તમામ સ્ટાફને તૈયાર કરી દીધા હતા. ચેતના જ્યારે મારી દુકાનમાં આવી ત્યારે તેણે બ્રેસલેટ મારા હાથમાં આપીને દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. એ સમયે બ્રેસલેટ તપાસતાં એ ખોટું હોવાનું જાણવા મળ્યું હતું એટલે ચેતનાએ ભાગી જવાની કોશિશ કરી હતી. જોકે બહાર અને ગેટ પર ઊભેલા મારા સ્ટાફની મદદથી અમે તેને પકડી પાડી હતી. અંતે ઘટનાની જાણ ગોરેગામ પોલીસને કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.’
ગોરેગામ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલા ૯૧૬ હૉલમાર્કવાળા દાગીના જ્વેલર્સ પાસે ગિરવી મૂકીને પૈસા લેતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આરોપી જે પણ દાગીના ગિરવી મૂકતી એની માત્ર કડી જ સોનાની રાખતી હતી, કારણ કે તેને ખબર હતી કે જ્વેલર્સ માત્ર કડી પરથી દાગીના તપાસતા હોય છે. આ મહિલાએ બીજા જ્વેલર્સને પણ આ રીતે છેતર્યા હોય એવી અમને શંકા છે એટલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’