06 October, 2025 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિન્ક રોડ પ્રોજેક્ટનું દિંડોશી કોર્ટથી નૅશનલ પાર્ક સુધીના ફ્લાયઓવરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
મુંબઈનો ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટ પૂરો થવાની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા દિંડોશી કોર્ટથી નૅશનલ પાર્ક સુધીના ફ્લાયઓવરનું કામ ઝડપી બનાવવામાં આવ્યું છે. ૨૦૨૬ના મે મહિનામાં આ ફ્લાયઓવર લોકો માટે ખુલ્લો મૂકી દેવાશે એવી જાહેરાત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કરી છે
૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો ૧૨.૨ કિલોમીટર લાંબો ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટ ૪ તબક્કામાં પૂરો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂરો થતાં વેસ્ટર્ન અને ઈસ્ટર્ન સબર્બ વચ્ચેનું ૭૫થી ૯૦ મિનિટનું અંતર ૨૫ મિનિટમાં કાપી શકાશે. ફ્લાયઓવર નૅશનલ પાર્કમાં જ્યાં ઊતરશે ત્યાંથી જ ટ્વિન ટનલમાં પ્રવેશી શકાશે. આશરે ૬.૬૫ કિલોમીટર લાંબી ટ્વિન ટનલનો બીજો છેડો મુલુંડમાં ખૂલશે. ટ્વિન ટનલનું કામ ૨૦૨૬ની શરૂઆતમાં શરૂ થશે.
શનિવારે BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ મુંબઈના બે મહત્ત્વના રોડ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ અને વર્સોવા-ભાઈંદરને જોડતા ઉત્તર તરફના મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ ઝડપી બનાવવાનો તેમણે આદેશ આપ્યો હતો. એના માટે જરૂરી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને અન્ય પરવાનગીઓ મેળવવાનો તેમ જ જમીન સંપાદનની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવાનો નિર્દેશ પણ તેમણે કર્યો હતો.