દુકાનદારો હવે દુકાનના બોર્ડનું લાઇસન્સ ઑનલાઇન મેળવી શકશે

30 March, 2023 09:52 AM IST  |  Mumbai | Rohit Parikh

આ માટે તેમણે ઑનલાઇન અરજી કરીને ફી ભરવી પડશે : આ ઉપરાંત ગ્લો શાઇન બોર્ડ માટે પણ લાઇસન્સ ફી ચૂકવવાની રહેશે 

ઇકબાલ ચહલને આશિષ શેલારની હાજરીમાં લાઇસન્સ-ફીમાં રાહત આપવા માટે આવેદનપત્ર આપી રહેલા જી-સાઉથ વ્યાપારી અસોસિએશનના અને ફેડરેશન ઑફ રીટેલ ક્લોધિંગ અસોસિએશનના પદાધિકારીઓ

મુંબઈના રીટેલરોને લાંબા સમયથી મહાનગરપાલિકામાં અરજી કર્યા પછી પણ તેમના દુકાનના નામના બોર્ડ માટેનું લાઇસન્સ મળતું નથી. આ દુકાનદારો હવે તેમની દુકાનના નામના બોર્ડ માટે ઑનલાઇન અરજી કરીને અને ફી ભરીને લાઇસન્સ મેળવી શકશે એવી સુવિધા મહાનગરપાલિકાએ ગઈ કાલથી શરૂ કરી દીધી છે. આ સિવાય જે દુકાનદારો તેમની દુકાનના નામનું ગ્લો શાઇન બોર્ડ લગાડે છે તેમણે હવેથી આ પ્રકારના બોર્ડમાં મહાનગરપાલિકા જાહેરાતના બોર્ડ માટે જે લાઇસન્સ ફી વસૂલ કરે છે એ પ્રમાણે લાઇસન્સ ફી ચૂકવવાની રહેશે. આવો આદેશ મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ ચહલ, જી-સાઉથ વ્યાપારી અસોસિએશનના પ્રતિનિધિઓ અને મુંબઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઍૅડ. આશિષ શેલાર સાથેની મીટિંગ બાદ આપવામાં આવ્યો હતો. જોકે કોવિડનાં બે વર્ષ દરમિયાન દુકાનો બંધ હોવાથી લાઇસન્સ-ફી માફ કરવામાં આવે તેમ જ જે દુકાનદારોએ દુકાનના નામના બોર્ડની લાઇસન્સ-ફી ભરી નથી તેમનો દંડ માફ કરીને હપ્તા આપવામાં આવે એવી દુકાનદારોની માગણી સામે ઇકબાલ ચહલે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી.

ગઈ કાલે મહાનગરપાલિકાએ મુંબઈના દુકાનદારોને લાઇસન્સ-ફી માટેના કાયદામાં સુધારા અને ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો હતો. આ બાબતની માહિતી આપતાં જી-સાઉથ વ્યાપારી અસોસિએશનના અધ્યક્ષ નીલેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૧૫ દિવસથી મુંબઈ મહાનગરપાલિકાએ રીટેલ દુકાનદારોને તેમની દુકાનના નામના બોર્ડની લાઇસન્સ-ફી ભરવા માટે નોટિસો મોકલી છે. એમાં લાઇસન્સ-ફી અને દંડ ભરો નહીંતર તમારી દુકાનના નામના બોર્ડને તોડી પાડવામાં આવશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી નોટિસો અમારા જી-સાઉથના અનેક દુકાનદારોને પણ આપવામાં આવી હતી. આ નોટિસ મળતાં જ દુકાનદારો ટેન્શનમાં આવી ગયા હતા. મુંબઈમાં અનેક દુકાનોને એના ઓરિજિનલ માલિકે બીજા વેપારીઓને ભાડે ચલાવવા આપી દીધી છે. જે દુકાનો ભાડે લીધી છે તેઓ લાઇસન્સ-ફી ભરાઈ છે કે નહીં એ બાબતથી અજાણ છે. આમાં અનેક દુકાનો એવી છે કે જેમના માલિકે ત્રણ-ત્રણ ચાર-ચાર વર્ષથી લાઇસન્સ ફી ભરી નથી. આવા દુકાનદારોને અચાનક નોટિસ આવવાથી આ દુકાનદારોના માથે લાખો રૂપિયાનો અચાનક બોજો આવવાની નોબત ઊભી થઈ છે. આ સંજોગોમાં અમારા અસોસિએશન વતી મેં જી-સાઉથના લાઇસન્સ ડિપાર્ટમેન્ટમાં જઈને દુકાનો પર આવી રહેલા આર્થિક બોજામાંથી માર્ગ શોધવાની વિનંતી કરી હતી, પરંતુ તેમણે અમને કહ્યું હતું કે આનો માર્ગ ફકત હેડક્વૉર્ટર્સ જ શોધી શકે એમ છે.’

લાઇસન્સ ફીની ઑનલાઇન અરજી કરવા અને ગ્લો શાઇન બોર્ડની ફી માટે લાઇસન્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઇશ્યુ કરવામાં આવેલો પરિપત્ર.

નીલેશ સાવલાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આશિષ શેલારને કહ્યું કે જેમની પાસે લાઇસન્સ છે અને તેમણે ફી ભરી નથી એવી જ રીતે અનેક દુકાનદારો એવા છે જેમની પાસે લાઇસન્સ જ નથી તેમને લાઇસન્સ પણ જલદીથી મળી શકે. આમ આ બંને મુદ્દે અમને સહાય કરવાની તેમણે અમે દાદરની ભારતીય જનતા પાર્ટીની ઑફિસમાં જઈને વિનંતી કરી અને તેમને તરત જ મહાનગરપાલિકાના કમિશનરની સાથે અમારી અમારી સમસ્યાઓના નિરાકરણ માટે  મીટિંગ ગોઠવી આપી અને તેઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આ મીટિંગમાં અમે ઇકબાલ ચહલ પાસે દુકાનદારોને લાઇસન્સ ફી ભરવા માટે એમેનેસ્ટી સ્કીમ આપવાની માગણી કરી હતી. કોવિડના સમયમાં દુકાનો અને મહાનગરપાલિકાની ઑફિસો બંધ હોવાથી એ બે વર્ષની બાકી લાઇસન્સ ફી વ્યાજ અને દંડ વગર હપ્તાથી ભરવાની છૂટ આપવામાં આવે  એવી અમારી માગણી‌સામે નિર્ણય લેવા માટે થોડા સમય આપવા કહ્યું હતું. આ નિર્ણય તેઓ વહેલી તકે જાહેર કરશે એવું આશ્વાસન આપ્યું હતું.’

દુકાનના નામના બોર્ડની લાઇસન્સ ફીના સંદર્ભમાં આશિષ શેલારને આપવામાં આવેલો જી-સાઉથ વ્યાપારી અસોસિએશનનો પત્ર

આ મીટિંગમાં સુધીર ભોસલે, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજોગ કાબરે, લાઇસન્સ વિભાગના પ્રકાશ જાધવ, અસોસિએશનના યોગેન્દ્ર દેઢિયા, નીતિન ગાલા અને ફેડરેશન ઑફ રીટેલ ક્લોધિંગ અસોસિએશનના પ્રમુખ ધીરજ કોઠારી અને હિન્દમાતા અસોસિએશનના પ્રભારી દિનેશ ત્રિવેદી હાજર રહ્યા હતા. 

mumbai mumbai news brihanmumbai municipal corporation rohit parikh