21 June, 2024 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અંધેરીના ગોખલે બ્રિજ અને સી. ડી. બરફીવાલા બ્રિજને કનેક્ટ કરતા ફ્લાયઓવરના પાર્ટની અલાઇનમેન્ટની ખામી હવે સુધારી લેવાઈ છે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ બ્રિજને પહેલી જુલાઈથી લોકો માટે, મોટરિસ્ટો માટે ખુલ્લો મૂકવાનો પ્લાન કરી રહી છે.
નવા બનેલા ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજને સી. ડી. બરફીવાલા ફ્લાયઓવર સાથે જોડવાના કામમાં ગફલત થઈ હતી અને એ બન્ને બ્રિજ એકબીજા સાથે બંધબેસતા નહોતા, જેને કારણે બ્રિજ બનાવ્યા પછી પણ એનો અર્થ સરી નહોતો રહ્યો. બ્રિજની આ ખામી બહાર આવી ત્યારે BMC પર પસ્તાળ પડી હતી અને અનેક બાજુથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એ પછી BMC સહિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી IIT–બૉમ્બેને પણ એનો ઉકેલ સૂચવવા જણાવવામાં આવ્યું હતું. આખરે બરફીવાલા બ્રિજને ઊંચો કરવાનો સંતોષકારક ઉકેલ મળી આવતાં એના પર કામ ચાલુ કરવામાં આવ્યું હતું.
BMCએ આ બાબતે કહ્યું હતું કે ‘બરફીવાલા બ્રિજને ઊંચો કરીને ગોખલે બ્રિજ સાથે મૅચ કરવાનો હતો. આ કામ બહુ જ ચોકસાઈપૂર્વક કરવાનું હતું. છેલ્લા બે મહિનાથી સતત એનું કામ ચાલી રહ્યું હતું. બ્રિજ ઊંચો કરવા માટે હાઇડ્રોલિક જૅક બેસાડવામાં આવ્યો હતો અને માઇલ્ડ સ્ટીલની પ્લેટો મૂકી હતી. આમ કરી બરફીવાલા બ્રિજને એક બાજુથી ૧૩૯૭ મિલીમીટર અને બીજી બાજુથી ૬૫૦ મિલીમીટર ઊંચો કરવામાં આવ્યો હતો. એમાં પણ ખાસ કરીને બરફીવાલા બ્રિજના પિલરના બોલ્ટ પ્રમાણે એ બધું ગોઠવવું ભગીરથ અને સૌથી અધરું કામ હતું. હવે એ અલાઇનમેન્ટ યોગ્ય રીતે પાર પડ્યું છે. એના પર કૉન્ક્રીટ પાથરીને એને સમથળ કરી લેવાયું છે. જોકે એ કૉન્ક્રીટને મજબૂત થતાં ૧૪ દિવસ લાગશે. એથી હવે બ્રિજ પહેલી જુલાઈથી લોકો માટે ખુલ્લો મૂકવાનો અમારો પ્લાન છે.’