04 June, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગિરીશ મહાજન, સંજય રાઉત
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગિરીશ મહાજને નાશિકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના નેતા સંજય રાઉત પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેને પાર્ટી બરબાદ કરવા પૉલિટિકલ દુશ્મનની જરૂર જ નથી, એના માટે સંજય રાઉત જ પૂરતા છે.’
આ ટિપ્પણીનો જવાબ આપતાં સંજય રાઉતે કહ્યું કે જો રાજ્યની સત્તામાંથી BJP બહાર ફેંકાઈ જશે તો ગિરીશ મહાજન પહેલા નેતા હશે જે BJP છોડશે.
આમ બે નેતાઓ વચ્ચે ચાલી રહેલા આ શાબ્દિક વૉરને મહારાષ્ટ્રની પ્રજા સાંભળી પણ રહી છે અને સાથે જ મૂલવી પણ રહી છે.
રાજ્ય સરકારમાં હાલ જલ સંસાધન ડિપાર્ટમેન્ટના પ્રધાન અને BJPના નેતા ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેને પોતાની પાર્ટી બરબાદ કરવા માટે પૉલિટિકલ દુશ્મનની જરૂર જ નથી, કારણ કે આ કામ માટે સંજય રાઉત જ પૂરતા છે. સંજય રાઉત જેવા દલાલોએ શિવસેના (UBT)માંથી નેતાઓ અને કાર્યકરોને બહાર કરી દીધા છે. જે રીતે સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર અને કૉન્ગ્રેસની નજીક દોરી ગયા એનાથી તેમણે પોતાના જ પક્ષને વધુ ને વધુ નુકસાન પહોચાડ્યું હતું. જો ઉદ્ધવ ઠાકરે તેમના પર લગામ તાણવામાં નિષ્ફળ જશે તો પક્ષ તૂટી પડશે.’
સંજય રાઉતે હવે એ ટિપ્પણીને ગંભીરતાથી લઈ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગિરીશ મહાજનનો પક્ષ તેની મૂળ જગ્યાએ છે કે કેમ? ભ્રષ્ટ કૉન્ટ્રૅક્ટર અને આ લોકો અમારા પક્ષને જમીનદોસ્ત કરવા નીકળ્યા છે. હાથમાં પોલીસ છે, પૈસા છે, એના જોરે લોકોને ધમકાવી પક્ષ ફોડવાના અને એ માટે BJPએ જે દલાલ નીમ્યા છે એમાંના એક પક્ષ ફોડનારા ગિરીશ મહાજન છે. જે દિવસે અમારી પાસે સત્તા હશે એ દિવસે સત્તા બદલનારો પહેલો માણસ ગિરીશ મહાજન હશે.’
હવે સંજય રાઉતના આ આક્ષેપ સામે ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘હું ક્યારેય એ નહીં કરું જે સંજય રાઉતે તેમની પાર્ટી માટે કહ્યું છે. હું એવું કોઈ કામ નહીં કરું જેથી પાર્ટીને નુકસાન થાય. હું BJPના વરિષ્ઠ નેતાઓમાંથી એક છું અને ૨૦ વર્ષથી પાર્ટીમાં છું. જોકે મને ઘણી વાર પાર્ટી બદલવાની ઑફર મળી હતી પણ મેં એ સ્વીકારી નહોતી.’